Gujarat ATS: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આતંકવાદ વિરોધી સ્ક્વોડ (ATS)એ મોટી કાર્યવાહી કરી છે. એટીએસના દરોડામાં અત્યાર સુધીમાં 96 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કુલ મળીને અત્યાર સુધીમાં 200 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આરોપીઓની હવાલા, ડ્રગ્સ રેકેટ અને મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી રહી છે.






એટીએસની આગેવાની હેઠળના સંયુક્ત ઓપરેશનમાં, વિવિધ એજન્સીઓએ રાજ્યમાં 100 થી વધુ કંપનીઓના 200 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા. તેમજ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ATS ઉપરાંત રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ વ્યાપક ઝુંબેશમાં સામેલ છે. તેમણે માહિતી આપી હતી કે અમદાવાદ, ભાવનગર અને જામનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં 122 કંપનીઓ સામે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


મોટો ખુલાસો થવાની શક્યતા છે


સૂત્રોએ જણાવ્યું હતું કે અધિકારીઓ આ સંબંધમાં લગભગ 74 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહ્યા છે અને આ ઓપરેશનમાં મોટા પાયે ટેક્સ ગુનાઓનો પર્દાફાશ થવાની સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાજ્યમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો છેતરપિંડી કરવા માટે નકલી બિલ જારી કરવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ પહેલા ગુરુવારે ATSએ દિલ્હીમાંથી એક અફઘાન નાગરિકની ધરપકડ કરી હતી. જેમની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. 


 IT દ્વારા પણ ગુજરાતમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ, ભુજ અને ગાંધીધામમાં ઘણા મોટા બિઝનેસ હાઉસ સાથે જોડાયેલા લોકોના ત્યાં દરોડા પાડ્યા હતા. IT વિભાગના આ દરોડા રીયલ એસ્ટેટ અને ફાયનાન્સ બ્રોકરના ધંધા સાથે જોડાયેલા લોકોના ત્યાં પડ્યા હતા. ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આ પ્રકારે સરકારી એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.