ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે ભાજપની ટિકિટ ફાળવણીને લઈને સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાર્ટી હાઈકમાન્ડે ટિકિટ વહેંચણી માટે કેટલાક અત્યંત કડક નિયમો બનાવ્યા છે, જેના કારણે હાલના 70% જેટલા ઉમેદવારોના પત્તા કપાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે અને માત્ર 30% જ ચહેરાઓ રિપીટ થશે. આ નવા નિયમોને લઈને ભાજપમાં જ આંતરિક વિખવાદ શરૂ થઈ ગયો છે. ખુદ ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આ નિયમો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. જોકે, આ નારાજગી વચ્ચે પણ પાર્ટી આજે સાંજ સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દે તેવી શક્યતા છે.

ટિકિટ ફાળવણી માટે ભાજપના કડક ધારાધોરણો

પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપે પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કરીને કેટલાક આકરા નિયમો બનાવ્યા છે, જેનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. આ નિયમો નીચે મુજબ છે:

ઉંમરનો બાધ: 60 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ નેતા કે કાર્યકરને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં.

સગાવાદને બ્રેક: કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિના પરિવારજનો કે સગાસંબંધીઓને પાર્ટી ટિકિટ નહીં આપે.

3 ટર્મનો નિયમ: જે ઉમેદવારોએ સળંગ 3 ટર્મ પૂરી કરી છે, તેમને પણ આ વખતે પડતા મૂકવામાં આવશે.

નો-રિપીટ: જેમના નામ સાથે કોઈ વિવાદ જોડાયેલો છે, તેવા વિવાદીત ચહેરાઓને પાર્ટી ફરીથી કોઈ ચાન્સ નહીં આપે.

સાંસદ મનસુખ વસાવાએ ઉઠાવ્યા આકરા સવાલ

ટિકિટના આ નવા અને કડક નિયમોના કારણે સિનિયર નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રદેશ ભાજપના નેતૃત્વ અને ચૂંટણી સમિતિના આ નિર્ણયો સામે પહેલીવાર ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે. વસાવાએ સ્પષ્ટ આશંકા વ્યક્ત કરી છે કે 3 ટર્મવાળા નિયમના કારણે ભાજપ જ ભાજપને હરાવશે. તેમણે સવાલ કર્યો છે કે જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં આવા કોઈ નિયમો નથી હોતા, તો પછી માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ આવો નિયમ કેમ? તેમના મતે, 3 ટર્મથી જીતતા સિનિયર કાર્યકરો જો નિષ્ક્રિય થઈ જશે તો પાર્ટીને ભયંકર નુકસાન થશે અને હાલમાં આખા ગુજરાતમાં પાયાના કાર્યકર્તાઓ આ નિયમોથી નિરાશ થયા છે.

આજે સાંજે આવી શકે છે પ્રથમ યાદી

એક તરફ પાર્ટીમાં નિયમોને લઈને ગણગણાટ છે, ત્યારે બીજી તરફ ટિકિટ વિતરણની પ્રક્રિયા વેગવંતી બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ આજે સાંજે ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઉમેદવારોના નામો અંગેની ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે. આથી, એવી પ્રબળ શક્યતા છે કે પહેલી યાદીમાં આ બે ઝોનના ઉમેદવારોના નામ જ સામેલ હશે. પ્રદેશ કક્ષાએથી ટૂંક સમયમાં જ તમામ જિલ્લાઓને તેમના ઉમેદવારો અંગે સત્તાવાર જાણ કરી દેવામાં આવશે.