Gujarat BJP Politician: ભાજપમાં હવે એક પછી એક ભરતી મેળા શરૂ થયા છે. લોકસભાની ચૂંટણી પૂર્વ ગુજરાતમાં ભાજપે કમર કસવાનું શરૂ કર્યુ છે. કોંગ્રેસ, આપ અને પાર્ટીથી છૂટા પડેલા અન્ય કેટલાક મોટા નેતાઓને પાર્ટીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં આજે નર્મદા જિલ્લાના નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાની ઘરવાપસી થશે. હર્ષદ વસાવા સાથે બીજા 2000થી વધુ કાર્યકરો પણ કેસરિયો ધારણ કરશે.


લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે જોરદાર તૈયારીઓ આરંભી દીધી છે. કેટલાક પૂર્વ ધારાસભ્ય અને મોટા નેતાઓ ફરીથી ભાજપમાં સામેલ થઇ રહ્યાં છે, આજે ભાજપનો આજે વધુ એક ભરતીમેળો નર્મદા જિલ્લામાં યોજાશે. પોતાના પક્ષમાથી નારાજ થઇને પક્ષ છોડી ચૂકેલા નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા આજે ઘરવાપસી કરશે, હર્ષદ વસાવાને વર્ષ 2022ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકીટ ન હતી મળી, જે પછી તેમને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂટણીમાં ઝંપલાવ્યુ હતુ. હવે ફરી એકવાર હર્ષદ વસાવા ભાજપમાં પોતાના કાર્યકરો સાથે ભાજપમા સામેલ થઇ રહ્યાં છે. આદિજાતિ આયોગના પૂર્વ ડિરેક્ટર અને આદિજાતિ મોરચાના પૂર્વ પ્રમુખ હર્ષદ વસાવા કેસરિયો ખેસ પહેરશે. હર્ષદ વસાવાની સાથે સાથે નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ પણ પોતાના પક્ષ ભાજપમાં પરત કરશે, . મહિલા અને બાળ આયોગના પૂર્વ ડિરેક્ટર ભારતીબેન તડવી પણ ઘરવાપસી કરશે. 


સી.જે. ચાવડા ભાજપમાં જોડાશે


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ગણાતા સી.જે. ચાવડા ભાજપમાં જોડાશે, સી.જે. ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ કેસરિયો ધારણ કરશે, વિજાપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં સી.જે. ચાવડા ભાજપમાં વિધિવત રીતે જોડાશે, પાટીલ તેમને ખેસ પહેરાવીને પાર્ટીમાં વેલકમ કરશે. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા જ વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ. મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્ય પદથી રાજીનામું આપનારા વધુ નેતા સી.જે. ચાવડા ભાજપમાં જોડાવવાના છે. વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી 19 જાન્યુઆરીએ રાજીનામું આપનારા સી.જે.ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવવા જઈ રહ્યાં છે. આ દિવસે વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સી.જે.ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. કેમ કે સી.જે.ચાવડાએ વિજાપુર બેઠકથી રાજીનામું આપ્યું છે ત્યારે લોકસભાની સાથે જ યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં સી.જે.ચાવડા વિજાપુરથી ભાજપના ઉમેદવાર હશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. જોકે સી.જે.ચાવડાને ભાજપ સાબરકાંઠાથી ઉમેદવાર બનાવશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું હતું. આ તમામની વચ્ચે ચાવડાને લોકસભાના ઉમેદવાર બનાવાય તેવી શક્યતા નહીંવત છે.