Kadi Visavadar assembly bypolls: ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી મહેસાણા જિલ્લાની કડી (અ.જા.) અને જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પ્રક્રિયાના મહત્વપૂર્ણ ભાગ રૂપે, ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ, આ બંને વિધાનસભા મતવિસ્તારોની આખરી મતદાર યાદી આજે તા. ૦૫ મે, ૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે, જેના પગલે ચૂંટણીની જાહેરાત હવે ગમે ત્યારે થઈ શકે છે.
ગ્રામ પંચાયત ચૂંટણી સાથે યોજાઈ શકે પેટાચૂંટણી
રાજકીય વર્તુળોમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ સાથે યોજાઈ શકે છે. જો આ શક્યતા સાચી ઠરે, તો જૂન મહિનાની મધ્ય સુધીમાં, એટલે કે ૧૫ જૂન પહેલા, આ બંને બેઠકો પર મતદાન યોજાઈ શકે છે.
આખરી મતદાર યાદી અને મતદારોની સંખ્યા
તા. ૦૫ મે, ૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ, બંને મતવિસ્તારોમાં કુલ મતદારોની સંખ્યા નીચે મુજબ છે:
- ૨૪ કડી વિધાનસભા (અ.જા.), મહેસાણા જિલ્લો: કુલ ૨,૮૯,૭૪૬ મતદારો નોંધાયા છે, જેમાં ૧,૪૯,૭૧૯ પુરુષ, ૧,૪૦,૦૨૩ મહિલા અને ૪ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.
- ૮૭ વિસાવદર વિધાનસભા, જુનાગઢ જિલ્લો: કુલ ૨,૬૧,૦૫૨ મતદારો નોંધાયા છે, જેમાં ૧,૩૫,૫૯૭ પુરુષ, ૧,૨૫,૪૫૧ મહિલા અને ૪ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.
મતદારોના વધારાની વિગતો
મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ બાદ આખરી યાદીમાં મતદારોનો વધારો પણ નોંધાયો છે. કડી વિધાનસભા મતવિસ્તારમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૩૭૬ મતદારોનો વધારો થયો છે (૧૫૨ પુરુષ અને ૨૨૪ મહિલા). વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં ૧૮૫ મતદારોનો વધારો નોંધાયો છે (૨૪ પુરુષ, ૧૬૦ મહિલા અને ૧ ત્રીજી જાતિના મતદાર). આમ, બંને મતવિસ્તારના મળી કુલ ૫૬૧ મતદારોનો વધારો નોંધાયો છે. અગાઉ ૦૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલી મુસદ્દા મતદાર યાદી મુજબ કડીમાં કુલ ૨,૮૯,૩૭૦ અને વિસાવદરમાં કુલ ૨,૬૦,૮૬૭ મતદારો હતા.
મતદાર યાદી સુધારણા ઝુંબેશ અને અપીલ પ્રક્રિયા
ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત યાદી તૈયાર કરવા ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરાઈ હતી. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારીત શુકલાએ જણાવ્યું હતું કે, ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશમાં મતદાર નોંધણી અધિકારીના નિર્ણય સામે કોઈ મતદારને વાંધો હોય તો સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને અપીલ કરી શકાશે. આ માટે The Representation of the People Act, 1950ની કલમ ૨૪ તેમજ The Registration of Electors Rules 1960 ના નિયમ ૨૭ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.