કપરાડાઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં 8 વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કપરાડામાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં 8 વિધાનસભામાં ચૂંટણી યોજાઇ રહી છે. કુલ 182 બેઠકો છે, જેમાં 181મો નંબર કપરાડા અને 1 નંબર અબડાસામાં ચુંટણી થઈ રહી છે.


તેમણે જણાવ્યું હતું કે, પેટા ચૂંટણી કેમ આવી એ વિચારવા જેવું છે. 8 બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામું આપ્યું એ વિચારવા જેવું છે. કોંગ્રેસના કોફીનને છેલ્લો ખીલો મારવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસનું સંપૂર્ણ નેતૃત્વ નિષ્ફળ ગયું છે. રાહુલ ગાંધી નિષ્ફળ ગયા છે. સમગ્ર રાષ્ટ્રમાં કોંગ્રેસ પરિવારવાદ ચલાવે છે. કોંગ્રેસ ભાંગી ગઈ છે.



તેમણે જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાએ 13 ધારાસભ્યો સાથે કોંગ્રેસ છોડી છે. હાલ 8 ધારાસભ્યમાંથી એક ધારાસભ્ય જીતુ ચૌધરી પણ છે. જીતુભાઇએ લોકોના કામ કરવા માટે કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસ વિરોધના નાટક કરે છે. સરકારની સાથે જોડાઈને વધુને વધુ કામ થાય તે માટે જીતુ ચૌધરી કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યાં છે. દેશના હિત માટે જીતુભાઈ કોંગ્રેસ છોડી આવ્યા છે. કોંગ્રેસના નેતા ગાંડા થઈ ગયા છે, ગમે તેવા નિવેદન કરે છે.