Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન વસ્તી ગણતરીની મહત્ત્વની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. આ હાઉસ લિસ્ટિંગ ઓપરેશન અંતર્ગત કર્મચારીઓ ઘરે-ઘરે જઈને પરિવારદીઠ 33 જેટલા સવાલો પૂછશે. જોકે, નાગરિકોની સુવિધા માટે 17 મે થી 31 મે સુધી 'સેલ્ફ એન્યુમેરેશન' (Self Enumeration) સિસ્ટમ શરૂ કરાશે, જેમાં તમે ઓનલાઈન જાતે જ તમારી માહિતી નોંધાવી શકશો. આ વખતે પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે દરેક ઘરને મેપ પર 'ડિજી ડોટ' તરીકે દર્શાવવામાં આવશે અને સરકારે આ માટેનું બજેટ અને ટ્રેનિંગ પણ ફાળવી દીધા છે.

Continues below advertisement

કઈ રીતે થશે આખી પ્રક્રિયા?

રાજ્ય સરકારના ગેઝેટ પ્રમાણે, 1 જૂનથી 30 જૂન સુધી મકાનોની ગણતરી એટલે કે 'હાઉસ લિસ્ટિંગ' ચાલશે. આમાં તમામ રહેણાંક મકાનો અને તેમાં રહેતા પરિવારોની વિગતો એકઠી કરવામાં આવશે. પરંતુ જો તમે કર્મચારી ઘરે આવે તેની રાહ જોવા ન માંગતા હોવ, તો 17 મે થી 31 મે વચ્ચે તમને જાતે જ માહિતી રજીસ્ટર કરવાની તક મળશે. તમે ઓનલાઈન સેલ્ફ એન્યુમેરેશનથી વિગતો ભરી દેશો, તો 1 જૂન પછી આવનાર કર્મચારી માત્ર તમારી માહિતી કન્ફર્મ કરશે.

Continues below advertisement

સરકારની હાઈટેક તૈયારીઓ અને બજેટ

આટલી મોટી કામગીરી માટે સરકારે અત્યારથી જ કમર કસી લીધી છે. આગામી 10 મે થી 15 મે 2026 વચ્ચે ગણતરીકારો અને સુપરવાઈઝરોને ખાસ ટ્રેનિંગ અપાશે. આ વખતે કાગળના બદલે આધુનિક ટેક્નોલોજી, મોબાઇલ એપ્લિકેશન અને CMMS પોર્ટલનો ઉપયોગ થશે, જેથી રિયલ-ટાઈમ ડેટા મળી શકે. દેશભરમાં 100 રાષ્ટ્રીય ટ્રેનર્સ, 2000 માસ્ટર ટ્રેનર્સ અને 44,000 ફીલ્ડ ટ્રેનર્સ લાખો કર્મચારીઓને તાલીમ આપશે. આ કામગીરી માટે રાજ્ય સ્તરે રૂ. 10 લાખ, જિલ્લા/મહાનગરપાલિકા સ્તરે રૂ. 5 લાખ અને તાલુકા સ્તરે રૂ. 1 લાખની જોગવાઈ કરાઈ છે, જેમાંથી IT સાધનો અને વાહનોનો ખર્ચ કાઢવામાં આવશે.

ડિજિટલ મેપ અને 'ડિજી ડોટ' નો ફાયદો શું?

આ વખતની વસ્તી ગણતરીની સૌથી મોટી ખાસિયત એ છે કે તમારા ઘરને ડિજિટલ નકશા પર એક 'ડિજી ડોટ' (Digi Dot) તરીકે માર્ક કરવામાં આવશે. આનાથી ફાયદો એ થશે કે કોઈ આપત્તિ આવે ત્યારે બચાવ કામગીરીમાં, શહેરી આયોજનમાં અને સરહદના સીમાંકન વખતે સચોટ માહિતી મળી રહેશે. એટલું જ નહીં, આધાર કાર્ડ સાથે જોડાયેલા જિયો-ટેગિંગથી મતદાર યાદી વધુ સચોટ બનશે અને ડુપ્લિકેટ નામો દૂર કરવામાં પણ ઘણી મદદ મળશે. શહેરીકરણ અને લોકોના સ્થળાંતરનો સાચો ડેટા પણ આનાથી મળી શકશે.

Census 2027: ગુજરાતમાં 20 એપ્રિલથી વસતિ ગણતરી શરૂ; 33 સવાલો પૂછવામાં આવશે, જુઓ યાદી

તમને કયા 33 પ્રશ્નો પૂછવામાં આવશે?

જ્યારે ગણતરીકાર તમારા ઘરે આવશે (અથવા તમે જાતે ફોર્મ ભરશો), ત્યારે તમારે નીચે મુજબના 33 સવાલોના ફરજિયાત જવાબ આપવાના રહેશે:

  1. મકાન નંબર અથવા વસ્તી ગણતરી નંબર
  2. ઘર નંબર
  3. ઘરની મુખ્ય ફ્લોરિંગ (માળ) સામગ્રી (જેમ કે સિમેન્ટ, ગ્રેનાઈટ કે માર્બલ)
  4. ઘરની દિવાલની સામગ્રી
  5. ઘરની છતની સામગ્રી
  6. ઘરનો ઉપયોગ કયા હેતુથી થાય છે
  7. ઘરની વર્તમાન સ્થિતિ
  8. પરિવારના સભ્યોની કુલ સંખ્યા
  9. પરિવારના વડાનું નામ
  10. પરિવારના વડાનું લિંગ
  11. જાતિ (સામાન્ય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અથવા OBC)
  12. ઘરની માલિકીની સ્થિતિ (પોતાનું છે કે ભાડાનું)
  13. ઘરમાં રહેલા રૂમની કુલ સંખ્યા
  14. પરિવારમાં પરિણીત યુગલોની સંખ્યા
  15. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત
  16. પીવાના પાણીની ઉપલબ્ધતા (ઘરમાં જ છે કે બહાર)
  17. વીજળીનો મુખ્ય સ્ત્રોત
  18. શૌચાલયની ઉપલબ્ધતા
  19. શૌચાલયનો પ્રકાર
  20. ગટર અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા
  21. બાથરૂમની ઉપલબ્ધતા
  22. ઘરમાં ગેસ કનેક્શન છે કે નહીં?
  23. રસોઈ બનાવવા માટેનું મુખ્ય બળતણ
  24. રેડિયો અથવા ટ્રાન્ઝિસ્ટરની ઉપલબ્ધતા
  25. ટીવીની ઉપલબ્ધતા
  26. ઇન્ટરનેટ કનેક્શન (ઍક્સેસ) છે કે નહીં
  27. લેપટોપ અથવા કમ્પ્યુટર
  28. સામાન્ય ટેલિફોન
  29. મોબાઇલ અથવા સ્માર્ટફોન
  30. સાયકલ, સ્કૂટર અથવા મોટરસાઇકલ
  31. કાર, જીપ અથવા વાન
  32. ખોરાકમાં વપરાતું મુખ્ય અનાજ
  33. સંપર્ક માટે તમારો મોબાઇલ નંબર