CM Bhupendra Patel: રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા)થી થયેલા પાક નુકસાનના સર્વેની કામગીરીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. માવઠાનો માર સહન કરનાર એકપણ ખેડૂતને જરા પણ નુકસાન ન થાય અને વાસ્તવિકતાના આધારે સહાય મળી રહે તે માટે સરકારે સર્વેની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે.

Continues below advertisement

આ અંગેની માહિતી ઓલપાડ ખાતે પૂર્વ મંત્રી મુકેશ પટેલની આગેવાનીમાં મળેલી બેઠકમાં આપવામાં આવી હતી. હવે કમોસમી વરસાદથી થયેલા નુકસાનના સર્વેમાં માત્ર VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) અને સરકારી કર્મચારીઓ જ નહીં, પરંતુ ગામેગામની સહકારી મંડળીના શિક્ષિત યુવાનોને પણ જોડવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી સર્વેની કામગીરીમાં પારદર્શિતા વધશે અને ઝડપ આવશે. ખેડૂતોને યોગ્ય અને સમયસર વળતર મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પૂરી કાળજી રાખી રહી છે.

Continues below advertisement

દક્ષિણ ગુજરાતમાં વ્યાપક નુકસાન

મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ૧.૪૫ લાખ હેક્ટરમાં ડાંગર અને શેરડીનો પાક છે. છેલ્લા બે દિવસના ધોધમાર વરસાદથી આ પાકને મોટું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, "મંડળીના ગોડાઉનમાં ડાંગરની આવક થઈ રહી હતી, તે વેળાએ ખેડૂતોના મોંમાં આવેલો પાક માવઠાના કારણે છીનવાઈ ગયો છે."

સર્વેની પ્રક્રિયા અને વળતર

ધારાસભ્યએ માહિતી આપી હતી કે, નુકસાનીનો વિગતવાર સર્વે કરવા માટે અધિકારીઓ અને ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી છે. સર્વેમાં ખેતી વિભાગના અધિકારીની સાથે સરકારના પ્રતિનિધિ અને ખેડૂત આગેવાનો પણ હાજર રહેશે, અને ઊભા પાક તેમજ રસ્તા પર સૂકવવા રાખવામાં આવેલ પાક બંનેનો સર્વે કરવામાં આવશે. આ સર્વેનો રિપોર્ટ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે, અને સરકાર ખેડૂતોને પૂરતું વળતર આપવા માટે સકારાત્મક છે.

ઊભા પાક અને શિયાળુ વાવેતર માટે માર્ગદર્શિકા

કમોસમી વરસાદના કારણે અનેક પાક હજુ પણ ખેતરોમાં ઊભા છે. આ ઊભેલા પાકમાંથી ખેડૂતો થોડું ઘણું મેળવી શકે તે માટે રાજ્ય સરકારે એક વિશેષ માર્ગદર્શિકા (Guidelines) તૈયાર કરી છે. આ ઉપરાંત, આગામી શિયાળુ પાક માટેના વાવેતરના ઝોન મુજબ પાક કરવા અંગેની એક નવી માર્ગદર્શિકા પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ પગલાંનો હેતુ એ છે કે ખેડૂતો ઓછામાં ઓછું નુકસાન ભોગવે અને આગામી પાકની તૈયારી યોગ્ય રીતે કરી શકે.