Administrator rule in gram panchayats: ગુજરાતમાં ૪૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો લોકશાહીના અધિકારોથી વંચિત રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ મુદ્દે રાજ્ય ચૂંટણી આયોગ અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને ૪૦૦૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ કયા કારણોસર યોજવામાં આવતી નથી તે સત્તાવાર રીતે જાહેર કરવાની માંગ કરી છે.

સમગ્ર દેશને પંચાયતી રાજનું મોડેલ પૂરું પાડનાર ગુજરાતમાં જ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લોકશાહીના ફાયદાથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કર્યો છે. કોંગ્રેસના મતે, રાજ્યની ૪૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોમાં છેલ્લા ૩ વર્ષ જેટલા લાંબા સમયથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. આ પંચાયતોની મુદત ૨૦૨૨માં પૂરી થઈ ચૂકી છે, જ્યારે અન્ય અંદાજિત ૧૪૦૦ જેટલી પંચાયતોની મુદત ૩૦ જૂન, ૨૦૨૫ના રોજ પૂરી થાય છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી નીતિ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "સરકારના ઇશારે રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણીઓ કરવા માગતું નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે, "વન નેશન વન ઇલેક્શન એ લોકસભા અને વિધાનસભા માટે કાયદો લાવવાનો છે, એ કાયદો હજુ બન્યો નથી. એ કાયદાનો પ્રયોગ કરવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સ્થગિત કરી ૩ વર્ષથી ગામડાની પ્રજા સ્થાનિક પ્રતિનિધિ ન ચૂંટી શકે અને અધિકાર રાજ હેઠળ ગામડાઓની પ્રજા પીસાતી રહે અને દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લા જેવાં મનરેગા અને નલ સે જલ જેવા કૌભાંડ થતા રહે એ ખબર નથી પડતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સરકાર કરાવે છે કે રાજ્ય ચૂંટણી આયોગ?"

ભ્રષ્ટાચારને પ્રોત્સાહન?

ડૉ. દોશીએ આક્ષેપ કર્યો કે, ૪૦૦૦ ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન હોવાથી સરકારના ઈશારે વહીવટદારો મનફાવે તે રીતે વર્તી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, "૪૦૦૦ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ન યોજીને ભાજપ સરકાર જ વહીવટદાર શાસન દ્વારા મનરેગા, નલ સે જલ સહિતની સરકારી યોજનામાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહી છે."

બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન?

કોંગ્રેસે ગુજરાત પંચાયત એક્ટ ૧૯૯૩/૧૯૯૪ ની જોગવાઈઓ ટાંકીને જણાવ્યું હતું કે, કોઈપણ પંચાયતમાં સરપંચ કે સભ્યની ખાલી થયેલી બેઠકોની પેટા ચૂંટણીઓ ૧૨ માસ પૂરા થાય એ પહેલાં કરાવવી એ રાજ્ય ચૂંટણી આયોગની બંધારણીય જવાબદારી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્ય ચૂંટણી આયોગ લાંબા સમય સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોઈ કારણ વગર રોકી શકે નહીં.

ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની કલમ ૧૩ અનુસાર, ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થયા પછી તેનું વિસર્જન થાય છે અને નવી ચૂંટણીઓ યોજવી જરૂરી છે. કલમ ૧૩(૨) માં સ્પષ્ટ જણાવેલ છે કે, ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થયા પહેલાં અથવા મુદત પૂર્ણ થયાના છ મહિનાની અંદર નવી ચૂંટણી યોજવાની રહે છે, જેથી નવી પંચાયતની રચના થઈ શકે.

કોંગ્રેસે અંતમાં માંગ કરી છે કે, "૪૦૦૦ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કયા કારણોસર નથી કરવામાં આવતી તેનું કારણ સત્તાવાર રીતે રાજ્ય ચૂંટણી આયોગ જાહેર કરે." બંધારણમાં મતદારોને સ્થાનિક પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે અને તે અધિકારનું હનન ન થાય તે જોવાની જવાબદારી રાજ્ય ચૂંટણી આયોગની ફરજમાં આવે છે. કોંગ્રેસનું કહેવું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને 'વન નેશન વન ઇલેક્શન' ની વાતો સાથે કોઈ લેવાદેવા નથી અને આ ચૂંટણીઓ સ્થગિત કરવાના કાવાદાવા ચાલી રહ્યા છે.