અમદાવાદઃ રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈન આવતી કાલે સવારે પૂર્ણ થઈ રહી છે, ત્યારે આજે હવે ગુજરાત સરકાર દ્વારા નવી કોવિડ ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. ત્યારે હવે સરકાર દ્વારા વધુ નિયંત્રણો લગાવવામાં આવશે કે પછી છૂટછાટ આપવામાં આવશે તેના પર સૌની નજર મંડાયેલી છે. અત્યારની ગાઇડલાઇન પ્રમાણે 8 મહાનગરો અને 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ અમલી છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ છે. રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ  4 ફેબ્રુઆરી સુધી છે. ગત વખતે ગુજરાત સરકારે જૂની ગાઇડલાઇનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. 


લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં યોજવાની મંજૂરી આપવામાં આવેલી છે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ સિવાય સ્મશાનયાત્રા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે.


રાજકીય કે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આ નિયમ લાગું પડશે. ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં કાર્યક્રમ યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.


રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે રાત્રિ કરફયુ આઠ મહાનગરો સહિત કુલ 27  શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા.  હાલ 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે.   મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 29 જાન્યુઆરી 2022થી  દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો હતો. રાત્રિ કરફયુની સમયાવધિ તા 4 ફેબ્રુઆરી  2022એ સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે.