જૂનાગઢઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ બધાની વચ્ચે સાસણ ગીર સફારી પાર્ક અને દેવળીયા પાર્ક આજથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોના મહામારીને લઇ વન વિભાગ દ્વારા આજથી અનિશ્ચિત કાળ માટે બંધ કરાયું છે. 


આ ઉપરાંત સૌરાષ્ટ્રના બે ગામોએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. બોટાદમાં ઢસા ગામમાં વધુ 8 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ગઢડાની ઢસા  ગ્રામ પંચાયત દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો છે. ઢસા ગામના તમામ વેપારીને સાથે રાખીને નિર્ણય લેવાયો છે. 3-05-2021થી 10-05-2021 સુધી તમામ વ્યાપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. માત્ર દૂધ ની ડેરીઓ સવારના 5 થી 8 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી શરૂ રખાશે. શાકભાજીવાળાને માત્ર ફેરી કરવાની રહેશે. જો કોઇ પણ વ્યક્તિ વ્યાપર ધંધા શરૂ રાખશે તો ગ્રામ પંચાયત દ્વારા દંડ આપવામાં આવશે. સતત વધતા સંક્રમણને અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. 


અમરેલીમાં વડિયાનું દેવગામ હવે આગામી 15 મે સુધી સ્વૈચ્છીક બંધ પાળશે. કોરોનાના વધતા સંક્રમણને પગલે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લઈને સ્વૈચ્છિક બંધને લંબાવવામાં આવ્યું છે. વેપારીઓ સવારના 7 થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખી શકશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા ગામ લોકોને પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે. તો સુરત,અમદાવાદ સહિતના અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકોને ગ્રામ પંચાયતને જાણ કરવા કરી 15 દિવસ સુધી હોમકોરેન્ટીન રહેવા પંચાયત દ્વારા સૂચનાઓ અપાઈ છે. 

ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત્ રહેવા છતાં શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૮૪૭ કેસ નોંધાયા હતા. સુરતમાં ૨૪, અમદાવાદમાં ૨૨ સહિત કુલ ૧૭૨ના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં ૨૪ એપ્રિલ બાદ પ્રથમવાર દૈનિક કેસનો આંક ૧૪ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૫,૮૧,૬૨૪ છે જ્યારે કુલ મરણાંક ૭,૩૫૫ છે. હાલમાં ૧,૪૨,૧૩૯ એક્ટિવ કેસ છે જ્યારે ૬૩૭ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ ૧૦,૫૮૨ દર્દીએ કોરોના હરાવ્યો છે. અત્યારસુધી કુલ ૪,૨૯,૧૩૦ દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે.