ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના 122 કેસ, નવા કેસોમાં જોવા મળી રહ્યો છે ક્યો નવો ખતરનાક ટ્રેન્ડ ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Apr 2020 10:55 AM (IST)
કોરોનાવાયરસના ચેપના કારણે અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે ગંભીર બાબત એ છે કે રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશનના કારણે કેસો ઝડપથી વધી રહ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા ઝઢપથી વધી રહી છે અને રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાવાયરસના ચેપના કારણે અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે ગંભીર બાબત એ છે કે રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશનના કારણે કેસો ઝડપથી વધી રહ્યા છે. આ ટ્રેન્ડ ખતરનાક છે અને તેના કારણે લોકોના આરોગ્ય પર ખતરો વધ્યો છે. કોરોનાવાયરસના કેસોની છેલ્લામાં છેલ્લી વિગતો આપતાં રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, અમદાવાદમાં નવા 8 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીઘ જમાતની મરકજથી પરત આવ્યો હતો. બે દિવસ પહેલા બે શખ્સ સહિત 8 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ પૈકી બોડેલીના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસમાંથી 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. જિલ્લાવાર વિગત જાણીએ તો અમદાવાદમાં 53 પોઝિટિવ કેસ અને 5ના મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ કેસ, સુરતમાં 15 પોઝિટિવ કેસ અને 2ના મોત, રાજકોટમાં 10 પોઝિટિવ કેસ, ભાવનગરમાં 11 પોઝિટિવ કેસ અને 2ના મોત, વડોદરામાં 10 પોઝિટિવ કેસ અને 1નું મોત, પોરબંદરમાં 3 અને ગીરસોમનાથમાં 2 પોઝિટિવ કેસ જ્યારે કચ્છ, મહેસાણા, પંચમહાલ,પાટણ અને છોટા ઉદેપુરમાં માં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ 122 કેસમાંથી 33 વિદેશથી આવેલા, 17 આંતરરાજ્ય અને 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.