અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કેસ રોજ નવી ટોચ બનાવી રહ્યા છે. કોરોનાના વધતાં જતા સંક્રમણને લઈ રાજ્યમાં કેટલાક મોટા માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવ્યા છે.


અમદાવાદઃ કોરોનાના સંક્રમણની ચેન તોડવા અને વધતુ સંક્રમણ અટકાવવા એપીએમસી (APMC) અમદાવાદએ મોટો નિર્ણય લીધો છે. શુક્રવાર સાંજે આઠ વાગ્યાથી રવિવાર સાંજે આઠ વાગ્યા સુધી જમાલપુર માર્કેટ બંધ રાખવામાં આવશે. એપીએમસી વાસણા માર્કેટ પણ શનિવાર અને રવિવાર બંધ રહેશે.


મહેસાણાઃ એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ ઊંઝા માર્કેટયાર્ડ 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી બંધ રહેશે.  માર્કેટયાર્ડ સાથે આજુબાજુ  ક્લિનિંગ કરતી ફેકટરીઓ પણ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. ઊંઝા માર્કેટયાર્ડમાં ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ખેડૂતો પણ પોતાનો માલ વેચવા આવે છે.


ભાવનગરઃ કોરોનાની મહામારી લઈ મહુવા માર્કેટિંગ યાર્ડ મહત્વનો નિર્ણય લીધો છે. મંગળવારથી યાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે. ડુંગળી સિવાયની તમામ જણસોની હરાજી બંધ કરવામાં આવી છે. અનાજ, કપાસ, નાળિયેર સહિત તમામ વસ્તુઓની હરાજી અનિશ્ચિત મુદત માટે બંધ રહેશે.


જામનગરઃ જામજોધપુર પંથકમાં વધતા જતા કોરોના કેસોના પગલે જામજોધપુર માર્કેટિંગ યાર્ડ 15 એપ્રિલથી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. વેપારી વેપારી એસોસિએશન અને કમિશન એજન્ટ દ્વારા યાર્ડના સેક્રેટરીને પત્ર લખી યાર્ડ બંધ રાખવાની માગણી કરાઈ હતી.


બોટાદઃ જિલ્લાં વધતા કોરોના કેસને લઈ માર્કેટીંગ યાર્ડમાં14 એપ્રિલ થી 18 એપ્રિલ સુધી શાકભાજી સિવાયની તમામ હરાજીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


સુરેન્દ્રનગરઃ લખતર એપીએમસીમાં કોરોના સંક્રમણ ના વધે તે માટે થઈ  30 એપ્રિલ સુધી વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


પાટણ: રાધનપુર APMC માર્કેટયાર્ડ આજથી 21 એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યું છે. કોરોના કેસો વધતાં રાધનપુર માર્કેટયાર્ડે નો મહત્વ નો નિર્ણય આઠ દિવસ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.


સુરેન્દ્રનગરઃ ચોટીલામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ચોટીલા એપી.એમ.સી. ચેરમેન અને સભ્યોએ સર્વાનુમતે 13 થી 18 એપ્રિલ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


રાજ્યમાં કોરોનાની ગતિ બેફામ બની છે. દરરોજ સામે આવતા કેસ અને મોતના આંકડાઓ ભયાનક છે. દરરોજ સામે આવતા આંકડાઓ પાછલા તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. મંગળવારે કોરોનોના કેસ અને કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો હચમચાવી દે તેવો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 6690 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 67 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે.  રાજ્યમાં ગઈકાલે 2748 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,20,729 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 34555 પર પહોંચ્યો છે. જેમાંથી 221 લોકો વેન્ટિલેટર પર અને 34334 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.04 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે.