Gujarat development projects: ગુજરાતને વિકાસના પથ પર અગ્રેસર રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા 'હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ'ની કામગીરી હવે વેગવંતી બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ચોથી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ વિભાગોના કુલ 27 જેટલા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનો કુલ ખર્ચ અંદાજે ₹11,360 કરોડ છે. મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને કડક સૂચના આપી છે કે પ્રોજેક્ટ્સ નિયત સમયમાં પૂર્ણ થવા જોઈએ અને તેની ગુણવત્તામાં લેશમાત્ર પણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
વિકસિત ગુજરાત માટે હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સનું મહત્વ
રાજ્યના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 146 જેટલા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ પર સીધી દેખરેખ રાખવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. આ શૃંખલામાં યોજાયેલી ચોથી બેઠકમાં રેલવે, ઉદ્યોગ-ખાણ અને શહેરી વિકાસ વિભાગના પ્રોજેક્ટ્સ કેન્દ્રસ્થાને રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @2047' ના વિઝનને સાકાર કરવા માટે આ પ્રોજેક્ટ્સ પાયારૂપ સાબિત થશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આ કામગીરી ઇન્ટીગ્રેટેડ અને હોલીસ્ટિક ડેવલપમેન્ટ માટે પથદર્શક છે.
રેલવે કનેક્ટિવિટીમાં થશે મોટો સુધારો
આ બેઠકમાં રેલવે વિભાગના ₹4,190.69 કરોડના કુલ 6 પ્રોજેક્ટ્સની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સામખીયાળી-ગાંધીધામ રેલવે લાઇનનું ચાર માર્ગીયકરણ, રાજકોટ-કાનાલુસ 122 કિ.મી. લાઈનનું ડબલિંગ અને નલિયા-વયોર વચ્ચેની નવી બ્રોડગેજ લાઈનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિજાપુર-આંબલીયાસણ અને મોટી આદરજ-વિજાપુર ગેજ કન્વર્ઝનની કામગીરી પણ ચર્ચામાં હતી. મુખ્યમંત્રીએ રેલવે પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદનના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તાત્કાલિક સૂચના આપવા મહેસુલ વિભાગને આદેશ આપ્યો છે.
ઉદ્યોગ અને ખાણ વિભાગ: ધોલેરા અને નવસારી પર નજર
રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપતા ₹3,657.62 કરોડના 6 પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા થઈ હતી. જેમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટ (ફેઝ-1) છે. ધોલેરા SIR ના CEO કુલદીપ આર્યએ માહિતી આપી હતી કે એરપોર્ટની મોટાભાગની કામગીરી પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત નવસારીના PM મિત્રા પાર્કમાં પાણી પુરવઠા યોજના, બલ્ક ડ્રગ પાર્ક, મોરબીના રફાળેશ્વર ખાતે ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ અને ભરૂચના સાયખામાં ડીપ સી ઈફ્લુએન્ટ ડિસ્પોઝલ પાઈપલાઈનની કામગીરીની સમીક્ષા કરાઈ હતી.
શહેરી વિકાસ: સ્માર્ટ સિટી અને ફ્લાયઓવર્સ
શહેરીજનોની સુખાકારી માટે ₹3,511.91 કરોડના કુલ 15 પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. જેમાં અમદાવાદના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ, ઐતિહાસિક ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ અને વાડજ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ મુખ્ય છે. આ ઉપરાંત, જામનગરના લાલપુર બાયપાસ અને સુરતમાં BRTS ક્રોસિંગ પરના ફ્લાયઓવર તેમજ જૂનાગઢના ડ્રેનેજ પ્રોજેક્ટની પ્રગતિનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો.
ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં
બેઠકના અંતે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ એમ.કે. દાસ, સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને એસ.એસ. રાઠૌર સહિતના ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે રાજ્યના નાગરિકોને શ્રેષ્ઠ સુવિધા મળવી જોઈએ. પ્રોજેક્ટ્સ માત્ર કાગળ પર પૂરા ન થતા, વાસ્તવિકતામાં ગુણવત્તાયુક્ત હોવા જોઈએ.