બોટાદ : રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કૉંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કૉંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયત પર જીત મેળવી છે. બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થઈ છે.
બોટાદ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની એક તરફી જીત થઈ છે. બોટાદની કુલ 20 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 19 બેઠકો પર જીત મેળવી છે. કૉંગ્રેસના ફાળે માત્ર 1 બેઠક આવી છે. બોટાદ જિલ્લા પંચાયતમાં એક બેઠક પર જીત થતા કૉંગ્રેસ અહીં ક્લીનબોલ્ડ થતા બચી છે. રાજ્યમાં 31માંથી ફક્ત 4 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર પર પહોંચી શકી છે. મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ ડબલ ફિગર સુધી પહોંચી છે.

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. બે જિલ્લા પંચાયતમાં ટાઈ થઈ હતી. આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે.