પાટણઃ પાટણની રાધનપુર બેઠકમાં ભાજપમાં ગાબડુ પડ્યું હતું. ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરના સાથી શંકરભાઈ ઠાકોર કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા. રાધનપુર ઠાકોર સમાજના ઉપપ્રમુખ શંકરભાઈ ઠાકોર કૉંગ્રેસમાં જોડાતા ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો. કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.


રાધનપુર મતવિસ્તારના ઠાકોર સમાજના 500 જેટલા કાર્યકરો ભાજપથી છેડો ફાડી કૉંગ્રેસમાં જોડાયા હતા. સાથે જ ચાણસ્મા અને રાધનપુર બેઠકના નાડોદા સમાજના પણ 500 જેટલા આગેવાનો ભાજપ છોડી કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.


Gujarat Election: ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, 1 ડિસેમ્બરે મતદાન


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મંગળવારે (29 નવેમ્બર) સાંજે પ્રથમ તબક્કાના પ્રચારનો અંત આવ્યો છે. ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી છે. પ્રથમ તબક્કામાં કુલ 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર મતદાન થવાનું છે. આ પછી બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે 93 બેઠકો પર થશે.


ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર પૂરો થઈ ગયો છે. 1 ડિસેમ્બરે મતદાન થશે. તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 19 જિલ્લામાં મતદાન થશે. મતદાન કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. 50% મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.







આટલા લોકો પ્રથમ તબક્કામાં મતદાન કરશે






મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 2,39,76,760 મતદારો મતદાન કરશે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે. મંગળવારે વહેલી સવારે તમામ પક્ષોએ પ્રચારમાં પુરી તાકાત લગાવી દીધી હતી. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાવનગરમાં પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.


આ છે પ્રથમ તબક્કાના મુખ્ય ઉમેદવારો


પ્રથમ તબક્કાના મોટા ઉમેદવારોમાં આમ આદમી પાર્ટી (AAP) ના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી છે, જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગુજરાતના પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી,  છ વખતના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, મોરબીના 'નાયક' કાંતિલાલ અમૃતિયા, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અને ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ અગ્રણી ઉમેદવારોમાં સામેલ છે