થરાદઃ  આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાશે. 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. અગાઉ થરાદ વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ઉપર હુમલો થયાનો આરોપ લાગ્યો છે. મોડી રાત્રે થરાદમાં ગુલાબસિંહ રાજપૂત ઉપર ભાજપના લોકોએ હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે મામલો તંગ બનતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો. ગુલાબસિંહ રાજપૂતે ઘટના બાદ પોતાના ફેસબુક ઉપરથી લાઈવ કરી આરોપ લગાવ્યા હતા.


વડાપ્રધાન મોદી અને અમિત શાહ અમદાવાદમાં કરશે મતદાન 


વડાપ્રધાન મોદી પણ આજે અમદાવાદમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદીના માતા હીરા બા રાયસણની દયાબેન વાડીભાઇ પટેલ સ્કૂલમાં મતદાન કરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરાની મ્યુનિસિપલ સબ ઝોનલ ઓફિસે મતદાન કરશે.






મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે નવ વાગ્યે શીલજ પ્રાઇમરી સ્કૂલમાં મતદાન કરશે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પણ શીલજ પ્રાઇમરી સ્કૂલમાં મતદાન કરશે. કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર નરોડામાં મતદાન કરશે. ભરતસિંહ સોલંકી પણ ડેડરવાની પ્રાથમિક શાળામાં મતદાન કરશે. શંકરસિંહ વાઘેલા વાસદમાં મતદાન કરશે. શક્તિસિંહ ગોહિલ ગાંધીનગર સેક્ટર-20માં મતદાન કરશે.


કયા VIP ઉમેદવારોનું ભાવિ દાવ પર છે ?


ભાજપ અને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બે બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. VIP ઉમેદવારોમાં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી, ભાજપના નેતા હાર્દિક પટેલ વિરમગામથી અને ભાજપના અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠકપરથી ચૂંટણી લડી રહ્યા છે.


આ ઉપરાંત કૉંગ્રેસના  નેતા જીગ્નેશ મેવાણી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના જેતપુરથી ઉમેદવાર છે. ભાજપના બળવાખોર અને દબંગ નેતા  મધુ શ્રીવાસ્તવ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.