ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કા માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે મતદાન કરશે. વોટિંગ પ્રક્રિયાનો ભાગ બનતા પહેલા પીએમ મોદીએ ગુજરાતની જનતાને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે.


પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, આજે બીજા તબક્કામાં મતદાન થવાનું છે. હું તમામ લોકોને ખાસ કરીને યુવા મતદારો અને મહિલા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું. તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ સવારે 9 વાગે અમદાવાદમાં મતદાન કરવા જશે.










કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને લોકોને મતદાન પ્રક્રિયાનો ભાગ બનવાની અપીલ કરી છે. અમિત શાહે ટ્વીટ કર્યું, આજે ગુજરાતમાં બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. હું આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે, ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે ચૂંટવા માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરો. તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે. અમિત શાહ નારણપુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યાલયમાં સ્થાપિત મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપશે.


આ વખતે કંઈક અલગ અને અદ્ભુત કરો - અરવિંદ કેજરીવાલ


આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને જનતાને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી ગુજરાતની નવી આશાઓ અને આકાંક્ષાઓની ચૂંટણી છે. દાયકાઓ પછી આ એક મહાન તક છે. ભવિષ્ય તરફ જોતા ગુજરાતની પ્રગતિ માટે ચોક્કસ મતદાન કરીને આવો. આ વખતે કંઈક અલગ અને અદ્ભુત કામ કરીને આવો.


ભાજપ અને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બે બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. VIP ઉમેદવારોમાં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી, ભાજપના નેતા હાર્દિક પટેલ વિરમગામથી અને ભાજપના અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠકપરથી ચૂંટણી લડી રહ્યા છે.


આ ઉપરાંત કૉંગ્રેસના  નેતા જીગ્નેશ મેવાણી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાના જેતપુરથી ઉમેદવાર છે. ભાજપના બળવાખોર અને દબંગ નેતા  મધુ શ્રીવાસ્તવ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે