ગાંધીનગર: ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોનાના 1743 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 63 લોકોનાં મોત નિપજ્યાં છે. પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો હતો. સરકારે સરકારી કર્મચારીઓ માટે કોરોના વાયરસથી મોત થાય તો 25 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

હવે રસ્તા અનાજની દુકાન ધારકોને પણ સરકાર તરફથી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જો સરકારી કર્મચારીનું ફરજ દરમિયાન મોત થાય તો તેમને 25 લાખની સહાય મળશે પરંતુ તેમાં જોગવાઈ કરીને સસ્તા અનાજની દુકાન પર કામ કરતા 17000 કરતાં વધુ ભાઈઓ-બહેનોને કોરોના સંક્રમણથી અનાજ વિતરણ દરમિયાન મોત થાય તો તેમને પરિવારને પણ 25 લાખની સહાય કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.


સસ્તા અનાજની દુકાન પર કામ કરતા, તોલનારા, કોમ્પ્યુટર ઓપરેટર, તોલાટ આ લોકોનું પણ વિતરણની વ્યવસ્થા દરમિયાન કોવિડ-19 દ્વારા તેમનું મોત થાય તો ગુજરાત સરકાર તેમને રૂપિયા 25 લાખની સહાય કરશે.

CM રૂપાણીએ મહત્વનો નિર્ણય ખાસ લોકોની આ સંકટ સમયમાં કામગીરીને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું જાણવા મળ્યું છે. CMO સચિવ અશ્વિનીકુમારે આ અંગે પત્રકાર પરિષદ કરીને આ જાહેરાત કરી હતી.