ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે 18 મંત્રીઓ શપથ લઈ શકે છે. રાજ્યમાં કુલ 27 મંત્રીઓ શપથ લેશે તેવી ચર્ચા છે.  હર્ષ સંઘવી, શંકર ચૌધરી, નિમિષા સુથાર, મનિષા વકીલ, રિવાબા જાડેજા, રમણ વોરા, અને જયેશ રાદડિયા સહિતના નેતાઓના નામ મંત્રીમંડળમાં હોઈ શકે છે.  આવતીકાલે સોમવારે અને 12 ડિસેમ્બરે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કરશે. ભાજપની પ્રચંડ જીત બાદ ગુજરાતમાં હવે ભૂપેંદ્ર પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. શપથ ગ્રહમ સમારોહમાં અનેક હસ્તીઓ હાજર રહી શકે છે.  આ કાર્યક્રમમાં  કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત ભાજપ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહી શકે છે.


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સહિત નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ માટે ત્રણ વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, ગુજરાતના સંસદસભ્યો ઉપરાંત મંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.


સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.  તો અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, કિરીટ પટેલનું મંત્રી બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.  હર્ષ સંઘવી, મનીષાબેન વકીલ પણ મંત્રીપદના શપથ લેવડાવવામાં આવે તેવુ નક્કી માનવામાં આવી રહ્યું છે. તો જગદીશ પંચાલ, જયેશ રાદડીયા, કનુ દેસાઈને પણ મંત્રી બનાવવામાં આવશે. રિવાબા જાડેજા, અનિરૂદ્ધ દવેનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. 


સૌરાષ્ટ્રમાંથી કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી અથવા તો હીરા સોલંકી ત્રણમાંથી કોઈ એકને મંત્રીપદ મળી શકે છે.  આ સાથે જ નરેશ પટેલ અથવા તો ગણતપ વસાવા પણ મંત્રી બની શકે છે.  ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને કેબિનેટ મંત્રી અથવા તો વિધાનસભાના અધ્યક્ષ બનાવી શકાય છે. રાઘવજી પટેલને પણ ફરી એકવાર મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. નવા મંત્રીમંડળમાં પાંચથી સાત પાટીદારોને સ્થાન મળી શકે છે. તો સાત પાટીદાર મંત્રી બનાવાય તો ચાર લેઉવા અને ત્રણ કડવા પાટીદારને સ્થાન મળી શકે છે. આ સિવાય નિમિષાબેન સુથાર અથવા દર્શના દેશમુખને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ભરૂચના રમેશ મિસ્ત્રીને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.