ગાંધીનગર: ગુજરાતમાં આગામી 1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને મફત કોરોનાની રસી આપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશિલ્ડ વેક્સિન ના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના 50 લાખ ડોઝ મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યુ કે પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં આગામી 1 મે થી દેશભરમાં 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ શરુ થવાનું છે. તેમાં ગુજરાત આ દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 6000 જેટલા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો મારફતે આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45 થી વધુની વયના નાગરિકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં રાજ્યમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.