રાજ્ય સરકારે ઘરેલુ LPG નો પુરવઠો સામાન્ય કરતાં 20 ટકા જેટલો વધાર્યો છે જેથી નાગરિકોને ગેસની અછત ન પડે.
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
નાગરિકો માટે ઘરેલુ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ; ગ્રામ્ય વિસ્તારો માટે દરેક જિલ્લામાં 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી અને કોમર્શિયલ ગેસના વપરાશ પર નવા નિયમો લાગુ.

- ઘરેલું LPG પુરવઠો 20% વધાર્યો, અછત નહીં.
- PNG અને LPG બંને ધરાવતાએ LPG જમા કરાવવું પડશે.
- ગ્રામ્ય વિસ્તારો માટે 36,000 લિટર કેરોસીન ફાળવાયું.
- કોમર્શિયલ ગેસ વિતરણ માટે નવી પ્રાથમિકતાઓ નક્કી કરાઈ.
ગુજરાતમાં ગેસના પુરવઠાને લઈને રાજ્ય સરકારે મોટા અને મહત્વના નિર્ણયો લીધા છે. નાગરિકોને ગેસની કોઈ અછત ન પડે તે માટે સરકારે ઘરેલુ LPG નો પુરવઠો સામાન્ય કરતાં 20 ટકા જેટલો વધારી દીધો છે. પરંતુ, સરકારનો સૌથી મોટો નિર્ણય એ છે કે જે ગ્રાહકોના ઘરે પાઇપલાઇન વાળો ગેસ (PNG) અને બાટલા વાળો ગેસ (LPG) બંને ચાલુ છે, તેમણે આવતા બુધવાર સુધીમાં પોતાનો LPG બાટલો ફરજિયાત જમા (સરેન્ડર) કરાવી દેવો પડશે. આ સાથે જ, ગેસના વિકલ્પ રૂપે ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીન ફાળવવાનો નિર્ણય પણ કરાયો છે.
ઘરેલુ ગેસની કોઈ અછત નથી, હેલ્પલાઇન નંબર જાહેર
ગાંધીનગરમાં 2026-27 ના બજેટ સત્ર દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તેમણે નાગરિકોને ખાતરી આપી છે કે રાજ્યમાં ઘરેલુ LPG અને PNG નો પૂરતો બફર સ્ટોક છે અને તેમાં સતત વધારો કરાઈ રહ્યો છે. જો કોઈ નાગરિકને ગેસ વિતરણ બાબતે કોઈ પ્રશ્ન કે ફરિયાદ હોય, તો તેઓ રાજ્ય સરકારના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1800-232-0222 પર સંપર્ક કરી શકે છે.
બુધવાર સુધીમાં બેમાંથી એક કનેક્શન જમા કરાવવું પડશે
સરકાર હાલમાં LPG વાપરતા ગ્રાહકોને પાઇપલાઇન ગેસ (PNG) માં કન્વર્ટ કરવાની પ્રક્રિયા પર સૌથી વધુ ભાર મૂકી રહી છે. આથી જ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જેમની પાસે બંને કનેક્શન છે, તેમણે બુધવાર સુધીમાં પોતાનું LPG કનેક્શન એજન્સીમાં પાછું આપી દેવું પડશે. ગેસ એજન્સીઓ પર કોઈ ગેરરીતિ ન થાય અને વિતરણ પારદર્શક રહે તે માટે દરેક એજન્સી પર મહેસૂલ અને પોલીસ વિભાગના જવાનોને તૈનાત કરી દેવાયા છે. એટલું જ નહીં, શહેરોમાં ડિલિવરી ઝડપી બને તે માટે ગેસના બાટલા ભરેલી ગાડીઓને હવે દિવસ દરમિયાન પણ પ્રવેશવાની છૂટ અપાઈ છે.
ગામડાંઓ માટે કેરોસીનની મોટી ફાળવણી
ગેસની સાથે સાથે વધારાના વિકલ્પ તરીકે સરકારે કેરોસીન વિતરણની વ્યવસ્થા પણ શરૂ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને કુલ 1452 KL (એટલે કે 14,52,000 લિટર) કેરોસીન આપવામાં આવ્યું છે.
આ જથ્થામાંથી દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીન અપાશે.
એક પરિવારને વધુમાં વધુ 5 લિટર અને સંસ્થાઓને 25 લિટર કેરોસીન આપવામાં આવશે.
કોમર્શિયલ ગેસના વપરાશ માટે નવી પ્રાથમિકતાઓ નક્કી
જરૂરિયાત મુજબ બધા ક્ષેત્રોને ગેસ મળી રહે તે માટે કોમર્શિયલ ગેસ વિતરણમાં કેટલાક ટકાવારીના નિયમો (કેપ) લાગુ કરાયા છે:
100% જથ્થો: આવશ્યક સેવાઓ જેવી કે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની પૂરી જરૂરિયાત મુજબ ગેસ અપાશે.
70% જથ્થો: ફાર્મા કંપનીઓ, ડેરી, સીડ પ્રોસેસિંગ, અને રેલવે કે એરલાઈનની કેન્ટીનને 70 ટકા જથ્થો મળશે. (જે વિસ્તારોમાં PNG નેટવર્ક નથી ત્યાં પણ 70 ટકાની મર્યાદામાં જ LPG અપાશે).
10% જથ્થો: મત્સ્યોદ્યોગ, હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબા, કોર્પોરેટ અને ઔદ્યોગિક કેન્ટીન, ગેસ્ટ હાઉસ તેમજ ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સને હવે માત્ર 10 ટકાની મર્યાદામાં ગેસ આપવામાં આવશે. આ ઉપરાંત, એક વર્ષથી ભોજન કરાવતી ધાર્મિક સંસ્થાઓને પણ 10 ટકાની મર્યાદામાં કોમર્શિયલ કનેક્શનની મંજૂરી અપાઈ છે.
આ તમામ નિયમોનું કડક પાલન કરાવવા માટે સરકારી ટીમો એક્શનમાં છે. ગેરરીતિ અટકાવવા છેલ્લા માત્ર 12 જ દિવસમાં જિલ્લા કક્ષાએ 912 અને રાજ્ય કક્ષાએ 17 જેટલા કિસ્સાઓમાં સઘન તપાસ કરવામાં આવી છે.
Frequently Asked Questions
ગુજરાતમાં ઘરેલુ LPG પુરવઠામાં કેટલો વધારો કરવામાં આવ્યો છે?
PNG અને LPG બંને કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે શું સૂચના છે?
જે ગ્રાહકોના ઘરે PNG અને LPG બંને કનેક્શન ચાલુ છે, તેમણે આવતા બુધવાર સુધીમાં પોતાનો LPG બાટલો ફરજિયાત જમા કરાવવાનો રહેશે.
ગેસ વિતરણ અંગે કોઈ ફરિયાદ હોય તો કોનો સંપર્ક કરવો?
ગેસ વિતરણ બાબતે કોઈ પ્રશ્ન કે ફરિયાદ હોય તો રાજ્ય સરકારના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1800-232-0222 પર સંપર્ક કરી શકાય છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ગેસના વિકલ્પ તરીકે શું ફાળવવામાં આવશે?
ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીન ફાળવવાનો નિર્ણય કરાયો છે, જે ગેસનો વધારાનો વિકલ્પ બનશે.






















