Sports assistant recruitment: ગુજરાત રાજ્યના યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ખેલ સહાયક’ની ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા આ અંગેની મંજૂરી આપવામાં આવ્યા બાદ હવે ખેલ સહાયકની વય મર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરવામાં આવી છે. આ નિર્ણયથી ઘણા યુવાનોને આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની વધુ તક મળશે.
આ અંગેની માહિતી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેલ સહાયકની વય મર્યાદામાં 2 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ વય મર્યાદા 38 વર્ષ હતી, જે હવે વધારીને 40 વર્ષ કરવામાં આવી છે. મંત્રી કુબેર ડિંડોરે ‘સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0’ કાર્યક્રમ દરમિયાન આ મહત્વની જાહેરાત કરી હતી.
આ નિર્ણય ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ખેલ સહાયક’ના ઉમેદવારો માટે લાગુ થશે. વય મર્યાદામાં થયેલા આ વધારાથી ઘણા એવા ઉમેદવારોને તક મળશે જેઓ અગાઉ વય મર્યાદાના કારણે અરજી કરી શકતા ન હતા. શિક્ષણ વિભાગના આ નિર્ણયને યુવાનો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે. આશા છે કે આનાથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં રમતગમતની પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળશે.
ગાંધીનગરમાં ૪૫૦થી વધુ વર્ક આસિસ્ટન્ટ વર્ગ-૩ના નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિમણૂક પત્રોનું વિતરણ
રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગને આજે ૪૫૦થી વધુ નવી યુવાશક્તિ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ક આસિસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગમાં પસંદગી પામેલા નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા અને રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ નવનિયુક્ત યુવાનોને જનસેવાને સર્વોપરી ગણી ફરજ નિષ્ઠાથી કામ કરવા આહવાન કર્યું હતું. તેમણે પોઝિટિવ એપ્રોચ સાથે વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની સમયબદ્ધ ભરતી પ્રક્રિયાની વાત કરી અને આગામી સમયમાં વધુ ૬૦૦ વર્ક આસિસ્ટન્ટની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ રાજ્યના સિંચાઈ માળખાને વધુ સક્ષમ બનાવવાની વાત કરી હતી, જ્યારે રાજ્યમંત્રી મુકેશ પટેલે જળ સંચયના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ સમારોહમાં ધારાસભ્ય રીટાબેન પટેલ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.