ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તેની સામે લડવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. કોરોનાને કારણે સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે જેનો આવતી કાલે છેલ્લો દિવસ છે. જેને લઈને તમામ સ્કુલોએ તાત્કાલિક પરિક્ષા બંધ કરીને બંધ કરી દેવામાં આવી હતી જોકે ગુજરાત સરકારે સ્કૂલોની ફી અંગે ગુજરાત સરકારે ત્રણ મોટી જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આ નિર્ણયોની વિગતો આપી હતી જેમાં જણાવ્યું હતું કે, માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી ભરવા માટે વાલીઓને આગામી 6 મહિનાની મુદત મળશે. લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે કોઈ ઉતાવળ નહીં કરે. ત્રિમાસિકને બદલે માસિક ફી ભરવાની પણ સંમત્તિ અપાશે.

બીજી જાહેરાત કરતાં અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, આવતાં શૈક્ષણિક વર્ષમાં ગુજરાતની કોઈ પણ સ્કુલ ફી વધારો કરી શકશે નહીં. વાલીની આર્થિક સ્થિતી અને અનુકૂળતા સગવડ મુજબ જરૂર જણાયે 6 મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે.

વધુમાં અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતની એક પણ સ્કુલો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી શકશે નહીં. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાના સંચાલકો સાથે આ સંદર્ભમાં એક ફળદાયી બેઠક યોજી હતી જેના ફળ સ્વરૂપે આ નિર્ણયો કરવામાં આવ્યા છે.