gujarat government guidelines: ગુજરાતમાં શિક્ષણ જગત માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓના આપઘાત (Student Suicide) ના કેસો સતત વધી રહ્યા છે. આ ગંભીર સ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. સરકારે હવે રાજ્યની તમામ કોલેજો, યુનિવર્સિટીઓ અને ખાનગી કોચિંગ સેન્ટર્સ માટે નવી ગાઈડલાઈન (Guidelines) જાહેર કરી છે. જે અંતર્ગત દરેક શૈક્ષણિક સંસ્થામાં 'મેન્ટલ હેલ્થ પોલિસી' (Mental Health Policy) લાગુ કરવી હવે ફરજિયાત બની ગઈ છે.
100 વિદ્યાર્થીએ એક કાઉન્સેલરનો કડક નિયમ
નવી ગાઈડલાઈન મુજબ, હવે દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં દર 100 વિદ્યાર્થીએ ઓછામાં ઓછો 1 લાયકાત ધરાવતો કાઉન્સેલર (Counselor) રાખવો ફરજિયાત રહેશે. જે સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 100 કરતા ઓછી છે, તેમણે બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે રેફરલ વ્યવસ્થા ગોઠવવી પડશે. ખાસ કરીને પરીક્ષા સમયે કે અભ્યાસના ભારણ વખતે વિદ્યાર્થીઓને ગુપ્ત અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચિત કરવું પડશે.
કોચિંગ ક્લાસની મનમાની પર બ્રેક
ખાનગી કોચિંગ સંસ્થાઓ (Coaching Institutes) માં વિદ્યાર્થીઓ વચ્ચે થતી સ્પર્ધા ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. સરકારે આદેશ આપ્યો છે કે હવે કોચિંગ ક્લાસ પરફોર્મન્સ કે માર્ક્સના આધારે વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરી શકશે નહીં. વિદ્યાર્થીઓને જાહેરમાં અપમાનિત કરવા કે તેમના પર અવાસ્તવિક અપેક્ષાઓનું દબાણ (Academic Pressure) લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હેલ્પલાઈન નંબર અને સ્ટાફ ટ્રેનિંગ
આત્મહત્યા નિવારણ (Suicide Prevention) માટે સંસ્થાઓએ તાત્કાલિક રેફરલ પ્રોટોકોલ તૈયાર કરવાનો રહેશે. કોલેજ કેમ્પસ, ક્લાસરૂમ, હોસ્ટેલ અને વેબસાઈટ પર મેન્ટલ હેલ્થ હેલ્પલાઈન નંબરો અને નજીકની હોસ્પિટલની વિગતો મોટા અક્ષરે દર્શાવવી પડશે. આ ઉપરાંત, શિક્ષકો અને સ્ટાફને વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એઈડ અને વોર્નિંગ સાઈન્સ ઓળખવા અંગેની તાલીમ આપવાની રહેશે.
સલામતી અને સમાવેશી વાતાવરણ
સરકારે SC, ST, OBC, EWS અને LGBTQ+ સમુદાયના વિદ્યાર્થીઓ માટે ભેદભાવ મુક્ત વાતાવરણ ઉભું કરવા પર ભાર મૂક્યો છે. રેગિંગ (Ragging) અને સતામણી સામે કડક પગલાં લેવાશે. હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ચેડાં ન થઈ શકે તેવા પંખા (Anti-suicide fans) અને બાલ્કનીમાં ગ્રીલ લગાવવા જેવા ભૌતિક ફેરફારો કરવાના પણ નિર્દેશો અપાયા છે.
ગુજરાતમાં ચિંતાજનક આંકડા (NCRB Data)
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના આંકડા ચોંકાવનારા છે. ગુજરાતમાં વર્ષ 2017 થી 2021 દરમિયાન કુલ 3,002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જેનો અર્થ છે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 1 થી 2 વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવે છે. એપ્રિલ 2020 થી માર્ચ 2023 વચ્ચે 495 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, જેમાં 246 વિદ્યાર્થીનીઓ હતી. આ આંકડા શિક્ષણ વ્યવસ્થા અને વાલીઓ માટે લાલ બત્તી સમાન છે.