ગાંધીનગરઃ ગુજરાત સરકારની સરકારી શાળાઓમાં પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓને દાખલ કરવા માટે શાળામાં પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે શાળાઓમાં ધોરણ 1માં 100 ટકા પ્રવેશ સુનિશ્ચિત થાય તે માટે જરુરી કાર્યવાહી કરવા ડીઈઓને સૂચના આપવામાં આવી છે.


પીએમ મોદીએ કરાવી હતી શરૂઆત


શાળા પ્રવેશોત્સવની શરૂઆત પીએમ મોદીએ વર્ષ 2003માં જ્યારે તેઓ ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારે કરી હતી. જે બાદ દર વર્ષે યોજાતા આ શૈક્ષણિક મેળાવડામાં સરકાર પોતાની બધી જ મશીનરી કામે લગાડતી રહી છે અને મોટી સંખ્યામાં બાળકો શાળાએ જતાં થાય તેવો પ્રયત્ન કરતી રહી છે. આંકડાકિય ફીગર મેળવવા માટે રાજ્ય સરકાર રાજ્યનો જન્મદર અને નવજાતનો મોર્ટાલિટી રેશિયો ધ્યાને રાખી અને પાંચ વર્ષે બાળક સ્કૂલમાં બેસાડવામાં આવે છે. તેના આધારે સરકાર એક ચોક્કસ અંદાજીત આંકડો તૈયાર કરે છે. જેના આધારે કેટલાક એડમિશન થયા અને તેની ટકાવારી કાઢવામાં આવે છે.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૦૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૬ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં ૧૧૦ દિવસ બાદ કોરોનાના નોંધાયેલા આ સૌથી ઓછા દૈનિક કેસ છે. આ ઉપરાંત ૨૫ માર્ચ એટલે કે ૮૧ દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૦ હજારથી નીચે આવ્યો છે. ગુજરાતમાં હાલ ૯,૫૪૨ એક્ટિવ કેસ છે જ્યારે ૨૨૩ દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં ૧૫ ફેબ્રુઆરી બાદ એટલે કે ૧૧૮ દિવસમાં પ્રથમવાર દૈનિક કેસનો આંક ૫૦થી નીચે નોંધાયો છે. અમદાવાદ શહેરમાં ૪૭ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં એકપણ નવો કેસ નથી. અમદાવાદ ગ્રામ્ય ઉપરાંત બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. અત્યારસુધી કુલ ૮,૦૧,૧૮૧ દર્દી સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૭.૬૨% છે.