ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.
નોંધનીયિ છે કે, આ પહેલા સીબીએસઈ દ્વારા ધો.10 પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે અને 12માની પરીક્ષા પાછળ ઠેલવામાં આવી હતી. 12માની પરીક્ષાની નવી તારીખે 1 જૂને રિવ્યૂ મીટિંગ કરીને જાહેર કરાશે. પીએમ મોદી સાથે આજની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.
શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું, ધો.10ના વિદ્યાર્થીઓને ઈન્ટરનલ એસેસમેન્ટ દ્વારા પ્રમોશન આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને એસેસમેન્ટથી સંતોષ નહીં હોય તો તે કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા આપી શકશે. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ કોરોના વાયરસ સંક્રમણને લઈ સીબીએસઈ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી હતી.
કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા (CBSE) પરીક્ષા રદ્દ કરી દેવામાં આવતા ગુજરાતમાં પણ ધોરણ 10ની બોર્ડ (Board Exam) ની પરીક્ષા રદ્દ કરવાની માગ ઉઠી હતી. ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગ ઉઠી હતી. આમ કેન્દ્રીય બોર્ડના નિર્ણય પ્રમાણે જ આજે ગુજરાત સરકારે પણ વિદ્યાર્થીઓના હિતમાં આ મોટો નિર્ણય લીધો અને ધોરણ 10 અને 12ની પરીક્ષા ટાળી છે અને ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.