ગાંધીનગરઃ ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ રદ કરી નાંખી તેના પગલે હવે રાજ્યની શાળાઓ પણ બંધ કરવા નિર્ણય લઈ શકે છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઈને શાળાઓ બંધ કરવા પણ નિર્ણય લેવાય શકે છે વો સંકેત સરકારનાં સૂત્રોએ આપ્યો છે. આ મુદ્દે રાજ્ય સરકાર સર્વગ્રાહી સમીક્ષા કરી રહી છે.
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આજે બપોરે 01:00 કલાકે સાયન્સ સિટી ખાતે મીડિયાના મિત્રોને મળશે. એ વખતે રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઈને શાળાઓ બંધ કરવાના નિર્ણયની જાહેરાત થઈ શકે છે. રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ કરદ કરી છે ત્યારે હવે અન્ય તમામ ઉત્સવો પણ રદ થઈ શકે છે. ફલાવર શો, કાઈટ ફેસ્ટિવ સહિતના ઉત્સવો રદ થઈ શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. થોડા સમય વાદ સત્તાવાર જાહેરાત ની સંભાવના છે.
ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને રાજ્યની અનેક શાળામાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને કોરોનાના કેસો નોંધાયા છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેશે કે નહીં એ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. સ્કૂલો બંધ કરવા અંગે સ્પષ્ટ જવાબ આપવાના બદલે તેમણે કહ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ઓન લાઈન અને ઓફ લાઈન બંને પ્રકારના શિક્ષણની વ્યવસ્થા ચાલુ છે પણ ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે.
રાજ્યની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ અપાય છે ત્યાં કોરોનાના નિયમોનું પાલન નથી થતું. શાળાઓમા કોરોના નિયમોનું પાલન ન થવા મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, જ્યાં જ્યાં નિયમો નું પાલન ન થઈ રહ્યું હોય ત્યાં પાલન કરવા કડક સૂચનાઓ છે અને કોઈ નિયમો ન પાળે તે નહિ ચલાવી લેવાય. અલબત્ત અત્યાર સુધી કેટલી સ્કૂલો સામે પગલાં ભરાયાં તેન વિગતો તેણે નહોતી આપી.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, ભારતની બાળકો માટેની વેકસીન ખૂબ જ સેફ છે અને મને સંપૂર્ણ ભરોસો છે કે બાળકોને વેકસીન આપવાનો ટાર્ગેટ આપણે નિયત સમયે પૂર્ણ કરીશું. તેમણે કહ્યું કે, કોઈ પણ બાળક રસી લીધા વિના ન રહી જાય તેની ચિંતા રાજ્ય સરકારે કરવાની છે પણ વાલીઓને સલાહ છે કે ડરવાની જરૂર નથી પણ લડવાની જરૂરિયાત છે. ગયા વખતનો સમય અને આ વખતનો સમય અલગ છે તેથી પેનિક ઉભું ન કરીએ એ જરૂરી છે.
તેમણે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં માત્ર 25 લાખ લોકો જ પ્રથમ ડોઝ લીધા વિનાના બાકી છે અને 26 લાખ લોકો જ રાજ્યમાં બીજા ડોઝમાં બાકી છે ત્યારે બહુ જલદી સો ટકા રસીકરણ થઈ જશે. કોરોના સામે ની લડાઈ માટે વેકસીન મહત્વની સાબિત થઈ છે તેથી સરકાર સો ટકા રસીકરણ કરાવવા માંગે છે.