MP માં બાળકોના મોત બાદ ગુજરાતમાં કફ સિરપ બનાવતી 2 કંપની પર પ્રતિબંધ, શું તમે આ સિરપનો ઉપયોગ કર્યો છે?
Gujarat cough syrup ban: મધ્યપ્રદેશના છિંદવાડામાં બાળકોના મૃત્યુની ગંભીર ઘટના બાદ શરૂ કરાયેલી તપાસમાં ગુજરાતમાં નિર્મિત બે કફ સિરપ શંકાના ઘેરામાં આવી છે.

Gujarat cough syrup ban: મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં 16 બાળકોના કિડની ફેલ્યોર ને કારણે થયેલા કરુણ મૃત્યુ બાદ ગુજરાત સરકાર તાત્કાલિક એક્શનમાં આવી છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ગુજરાતમાં બનેલી બે કફ સિરપ – 'રી-લાઈફ' (M/s Shape pharma Pvt. Ltd.) અને 'રેસ્પિફ્રેશ ટીઆર' (M/s Rednonex Pharmaceuticals Pvt. Ltd.) માં ખતરનાક રસાયણ ડાયએથિલિન ગ્લાઇકોલ (DEG) નું પ્રમાણ નક્કી કરેલી મર્યાદા (મહત્તમ 0.1 ટકા) કરતાં અનેકગણું વધુ મળ્યું છે. આ કેમિકલ કિડની ફેલ્યોર અને બ્રેઇન હેમરેજ જેવી ગંભીર સ્થિતિ પેદા કરી શકે છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના આદેશ બાદ રાજ્યના બજારમાંથી આ બંને સિરપનો સમગ્ર જથ્થો પરત ખેંચી લેવા માટે (Recall) કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે ગુજરાતમાં કફ સિરપ સહિતની 624 ઓરલ લિક્વિડ દવા બનાવતી તમામ પેઢીઓની વિગતવાર તપાસ માટે પણ આદેશ આપ્યો છે.
DEG નું ઊંચું પ્રમાણ અને કંપનીઓ સામેની કાર્યવાહી
મધ્યપ્રદેશના છિંદવાડામાં બાળકોના મૃત્યુની ગંભીર ઘટના બાદ શરૂ કરાયેલી તપાસમાં ગુજરાતમાં નિર્મિત બે કફ સિરપ શંકાના ઘેરામાં આવી છે. મધ્યપ્રદેશના ડ્રગ વિભાગે 26 થી 28 સપ્ટેમ્બર દરમિયાન મેડિકલ સ્ટોર્સ અને હોસ્પિટલોમાંથી 19 દવાઓના નમૂના એકત્ર કર્યા હતા, જેમાં 4 કફ સિરપ ગુણવત્તાના માપદંડમાં ફેલ થયા હતા. આ નિષ્ફળતાનું મુખ્ય કારણ ડાયએથિલિન ગ્લાઇકોલ (DEG) નું ઊંચું પ્રમાણ હતું, જે માર્ગદર્શિકા અનુસાર મહત્તમ 0.1 ટકા હોવું જોઈએ. આ રિપોર્ટ બાદ, સુરેન્દ્રનગરની મે. શેપ ફાર્મા પ્રા. લિ. (રી-લાઈફ સિરપ નિર્માતા) અને અમદાવાદની મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. (રેસ્પિફ્રેસ ટીઆર સિરપ નિર્માતા) ને દવાનું ઉત્પાદન તાત્કાલિક બંધ કરવા અને બજારમાં રહેલો નોટ ઑફ સ્ટાન્ડર્ડ જથ્થો તાત્કાલિક રીકોલ (Recall) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગુજરાત સરકારની વ્યાપક તપાસ ઝુંબેશ
ગુજરાત સરકારે આ ગંભીર બેદરકારી બાદ રાજ્યની સમગ્ર ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે ઝીરો-ટોલરન્સ નો સંદેશ આપ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યના તમામ મદદનીશ કમિશનરોને તેમના વિસ્તારમાં આવેલી 624 ઓરલ લિક્વિડ (કફ સિરપ સહિત) દવાઓ બનાવતી પેઢીઓની વિગતવાર તપાસ હાથ ધરવાના કડક નિર્દેશ આપવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન પાણીની ગુણવત્તા, કાચા માલના સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ અને સેમ્પલિંગ પ્રક્રિયા ની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે. દરેક પેઢીમાંથી ઓછામાં ઓછા પાંચ નમૂનાઓ લઈ તેમને વડોદરાની લેબોરેટરીમાં ત્વરિત તપાસ માટે મોકલવામાં આવશે. વધુમાં, સરકારે દવાઓની ટ્રેસેબિલિટી સિસ્ટમ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે, જેથી ફેક્ટરીથી લઈને રિટેલર સુધીની સપ્લાય ચેઇનમાં એક પણ અસુરક્ષિત બેચ માર્કેટમાં ન રહે. રીકોલની સમગ્ર પ્રક્રિયા FDCAના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ રહેશે.





















