Gujarat Rain News: ગુજરાતમાં હાલ મેઘરાજાએ જાણે ધમાકેદાર બેટિંગ કરવાનું નક્કી કરી લીધું હોય તેવો માહોલ છે. રાજ્ય પર એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર પંથક અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવને કારણે અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે પરિસ્થિતિની ગંભીરતાને જોતા આજે પણ 6 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપતું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જોકે, લોકો માટે રાહતની વાત એ છે કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની સંભાવના છે.

Continues below advertisement

આજના આંકડા પર નજર કરીએ તો, સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં જ રાજ્યના 213 તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં સૌથી વધુ 7 ઇંચ અને વઢવાણમાં 6.18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. લખતર પંથકમાં તો ભારે વરસાદે ભયંકર તારાજી સર્જી છે. અહીંના લીલાપુર ગામની હાલત ખૂબ જ કફોડી બની છે; એક તરફ ઉમઈ નદીના ધસમસતા પાણી અને બીજી બાજુ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં આ ગામ સાવ સંપર્કવિહોણું બની ગયું છે. લીલાપુર ગામ મુખ્ય માર્ગ પર આવેલું હોવાથી, આ માર્ગ બંધ થવાના કારણે તેની આગળ આવેલા કારેલા, ઈંગરોળી અને સવલાણા જેવા ગામોનો પણ લખતર તાલુકા મથક સાથેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.

Continues below advertisement

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રાજ્યના 34 જિલ્લાના 255 તાલુકાઓમાં સરેરાશ 79.84 મિમી વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી. સૌથી વધુ વરસાદ સુરતના અંબિકા તાલુકામાં 22.24 ઇંચ, તાપીના ડોલવણમાં 16.73 ઇંચ, ખેડાના વસોમાં 16.38 ઇંચ, નવસારીના વાંસદામાં 16.26 ઇંચ અને ખેડાના નડિયાદમાં 13.43 ઇંચ નોંધાયો છે. આજ સવારના 6 વાગ્યા સુધીના આંકડા મુજબ, ચાલુ સિઝનમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 23.17 ઇંચ પર પહોંચી ગયો છે, જે આખી સિઝનના સરેરાશ વરસાદના 64.76% જેટલો થાય છે. તેમાંય દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 91.35% વરસાદ પડી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

અત્યારે રાજ્યમાં ભારે વરસાદી માહોલ પાછળનું મુખ્ય કારણ એ છે કે હાલ વેલમાર્ક લો પ્રેશર, મોનસૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ કુલ 4 હવામાન સિસ્ટમ એકસાથે સક્રિય છે. આ સિસ્ટમ્સની અસરને કારણે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અન્ય 13 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા જોતા યલો એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં પણ ભારે કરંટ અને સ્થિતિ ઉગ્ર હોવાથી, માછીમારોને 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ પણ લગાવી દેવાયું છે.

આ બધાની વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લા માટે એક નોંધવા જેવી બાબત એ છે કે ત્યાં 149.6 મિમી વરસાદ ખાબકવાની સાથે પાંચમી વખત રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યની સ્થિતિ જોઈએ તો, અત્યાર સુધીમાં કુલ 439.9 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 380.9 મિમી વરસાદ થતો હોય છે, જેનો સીધો મતલબ એ છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 16% વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસું ભયાનક મોડમાં! શુક્ર-શનિ બે દિવસ મેઘરાજા કરશે ધુઆંધાર બેટિંગ