અમદાવાદ: ગુજરાતમાં વરસાદનો વધુ એક તબક્કો શરૂ થવાની તૈયારી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અપર એર સર્ક્યુલેશન, બે મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન સહિત કુલ પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. 30 જુલાઈથી સતત ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને 30 અને 31 જુલાઈએ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આજે 21 જિલ્લાઓમાં યલો એલર્ટ, ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે આજે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે
હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલથી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ સક્રિય રહેશે. ખાસ કરીને સુરત, વાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને નદીઓના જળસ્તરમાં વધારો થવાની સંભાવના હોવાથી સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન 30 જુલાઈથી કરશે અસર
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. તેની અસર 30 જુલાઈથી ગુજરાતમાં જોવા મળશે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આ સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ફરી વધશે અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
30 જુલાઈથી ત્રણ દિવસ વરસાદનો વધુ એક રાઉન્ડ
30 જુલાઈથી રાજ્યમાં વરસાદનો વધુ એક તીવ્ર રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. 30 જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
તે ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગે સમુદ્રમાં પવનની ગતિ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને 30 અને 31 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
