Gujarat Rain: આજે 10 જિલ્લામાં વરસાદની આગાહી, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ધૂમ્મસભર્યું વાતાવરણ
Gujarat Rain: આજે સવારથી જ અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદના ઝાંપટા પડ્યા છે. શહેરના એસજી હાઇવેના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે

Gujarat Rain: રાજ્યમાં અત્યારે ભરશિયાળે ચોમાસુ બેસ્યુ હોય તેવુ વાતાવરણ સર્જાયુ છે, છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદથી બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, ખેડૂતો માવઠાથી પાયમાલ થયા છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ ખમૈયા કરવાનું નામ જ નથી લેતો. હવામાન વિભાગ અનુસાર, આજે 10 જિલ્લમાં ભારે વરસાદની આગાહી છે.
આજે સવારથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધૂમ્મસભર્યુ વાતાવરણ સર્જાયુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રાજ્યમાં 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરમાં સવારથી જ ધૂમ્મસભર્યું વાતાવરણ સર્જાયુ છે અને બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે મહીસાગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે, પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન આ જ પ્રદેશ પર લગભગ સ્થિર રહ્યું હતું અને આજે 30 ઓક્ટોબરના રોજ વેરાવળ (ગુજરાત) થી લગભગ 400 કિમી દક્ષિણપશ્ચિમ, મુંબઈ (મહારાષ્ટ્ર) થી 510 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને પંજી (ગોવા) થી 660 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં કેન્દ્રિત હતું. આગામી 36 કલાક દરમિયાન પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. હવામાન વિભાગે મહત્તમ અને લઘુત્તમ તાપમાન માટેની માહિતી આપતા જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.
અમદાવાદમાં ધૂમ્મસભર્યા વાતાવરણમાં વરસાદ
આજે સવારથી જ અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદના ઝાંપટા પડ્યા છે. શહેરના એસજી હાઇવેના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે, પ્રહલાદનગર, રામદેવનગર, માણેકબાગ, નહેરૂનગર, મકરબા, શ્યામલ અને સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં માવઠુ થયુ છે. ગુજરાતમાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે, શિયાળામાં ચોમાસા જેવો માહોલ છવાયો છે. આજે સવારથી અમદાવાદ શહેરમાં ઠેક ઠેકાણે વરસાદ ખાબક્યો છે, સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જેમાં એસજી હાઈવે, પ્રહલાદનગર, માણેકબાગ વિસ્તારમાં વરસાદ પડ્યો છે, આ ઉપરાંત શ્યામલ, સેટેલાઈટ, રામદેવનગર, જોધપુર, નહેરૂનગર, શિવરંજની, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટાં યથાવત છે.





















