છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જેમાં નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
વલસાડ અને નવસારીમાં જળબંબાકારની સ્થિતિથી જનજીવન પ્રભાવિત; અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યના 57 તાલુકાઓમાં મેઘમહેર, આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે યથાવત્.

- ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જલાલપોરમાં 6 ઇંચ વરસાદ.
- દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર; આગામી 7 દિવસ વરસાદની આગાહી.
- વલસાડમાં અંડરપાસ બંધ, અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં.
gujarat rain updates: ગુજરાતમાં ચોમાસાની બીજી ઇનિંગ બરાબરની જામી છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર અને વલસાડ સહિત 57 તાલુકાઓમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે અને આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં આ જ પ્રકારે વરસાદી માહોલ યથાવત્ રહેશે.
હવામાન વિભાગની વિગતવાર આગાહી પર નજર કરીએ તો, આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ તેમજ દાદરા અને નગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત, આગામી 25 જુલાઈના રોજ મધ્ય અને પૂર્વ ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો આજે વાતાવરણ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને દિવસ દરમિયાન એકથી બે વખત ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.1 ડિગ્રી નોંધાયું છે.
વરસાદના આંકડા મુજબ, રાજ્યના 111 તાલુકાઓ પૈકી સુરત શહેર, નવસારી, પારડી, પલસાણા અને કપરાડા સહિતના 20 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સવારના સમયગાળા દરમિયાન જ અમદાવાદ અને ગાંધીનગર સહિતના 57 તાલુકાઓમાં 1 મિમીથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે.
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અહીંના તમામ તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં પારડીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ પડ્યો છે. સાર્વત્રિક વરસાદને પગલે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ છીપવાડ અને મોગરાવાડી રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. પરિણામે શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તકેદારીના ભાગરૂપે વલસાડ સિટી પોલીસ દ્વારા મોગરાવાડી અને છીપવાડ રેલવે અંડરપાસમાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જોકે, આ સારા વરસાદને કારણે ડાંગરના પાક પર નભતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
નવસારી જિલ્લાની સ્થિતિ પણ વિકટ બની છે. અહીં ગત રાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેમાં જલાલપોરમાં માત્ર 2 કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સતત વરસાદના કારણે સમગ્ર શહેરમાં ફરી એકવાર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ નવસારીની મુલાકાત વખતે પાણીના નિકાલ અંગે કડક તાકીદ કરી હતી. આમ છતાં, મહાનગરપાલિકા દ્વારા ગટરો અને ડ્રેનેજ લાઈનની યોગ્ય સફાઈ ન કરવામાં આવતાં તંત્રની આ ઘોર બેદરકારી હવે સપાટી પર આવી છે.
અમદાવાદ શહેરમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એસજી હાઇવે, ચેનપુર, ન્યુ રાણીપ, જગતપુર અને કાળી ગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. બીજી તરફ, પાટનગર ગાંધીનગરમાં મધરાતે પડેલા વરસાદે લોકોને અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત અપાવી છે. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ન્યૂ ગાંધીનગરના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ રહેતાં સમગ્ર વાતાવરણ ખુશનુમા અને આહલાદક બની ગયું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?
Frequently Asked Questions
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો છે?
હવામાન વિભાગ દ્વારા આગામી કેટલા દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે?
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. આજે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે.
આજે દક્ષિણ ગુજરાતમાં કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે?
આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ તેમજ દાદરા અને નગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
અમદાવાદ શહેરમાં આજે કેવું વાતાવરણ રહેવાની શક્યતા છે?
અમદાવાદ શહેરમાં આજે વાતાવરણ સામાન્ય રીતે વાદળછાયું રહેશે. દિવસ દરમિયાન એકથી બે વખત ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.
વલસાડ જિલ્લામાં વરસાદની શું અસર જોવા મળી છે?
વલસાડના તમામ તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં પારડીમાં 4 ઇંચ પડ્યો. નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાયા હતા, જેથી વાહનવ્યવહાર બંધ કરાયો હતો.






















