Gujarat heavy rain damage: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદ અને વાવાઝોડાએ રાજ્યમાં ભારે તબાહી મચાવી છે. પવન અને વરસાદના કારણે ગામેગામ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, અને અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર લગભગ ઠપ્પ થઈ ગયો છે. કુદરતની આ આફત વચ્ચે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સતર્ક છે, અને લોકોની મુશ્કેલીઓ ઓછી કરવા માટે રાહત તેમજ બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ચાલો જાણીએ રાજ્યમાં હાલ વાવાઝોડા અને વરસાદને કારણે શું પરિસ્થિતિ છે.

Continues below advertisement

474 વીજ થાંભલા હજુ પણ ધરાશાયી, કામગીરી પૂરજોશમાં

ભારે પવન અને વરસાદને કારણે રાજ્યના 2457 જેટલા ગામડાઓમાં વીજળી ડૂલ થતાં અંધારપટ છવાયો હતો. જોકે, GUVNL (વીજ કંપનીઓ) દ્વારા રાત-દિવસ એક કરીને તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવતા 2336 ગામોમાં ફરીથી વીજળી પહોંચાડવામાં આવી છે. હાલ માત્ર 121 ગામોમાં કામગીરી ચાલુ છે. પવનના કારણે આખા રાજ્યમાં 4557 વીજ થાંભલાઓ ધરાશાયી થયા હતા, જેમાંથી 474 થાંભલા ઊભા કરવાનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. આ ઉપરાંત 4419 વીજ ફીડર અને 215 ટ્રાન્સફોર્મર ખોરવાયા હતા, જેમાંથી મોટાભાગના એટલે કે 4263 ફીડર અને 183 ટ્રાન્સફોર્મર રિપેર કરી દેવાયા છે.

Continues below advertisement

વાહનવ્યવહારને ભારે અસર: 95 રસ્તાઓ બંધ, ST બસો ડાયવર્ટ

વરસાદે વાહનવ્યવહારને પણ માઠી અસર પહોંચાડી છે. માર્ગ અને મકાન વિભાગના બપોરે 2:00 વાગ્યા સુધીના રિપોર્ટ મુજબ, હાલમાં રાજ્યના 95 રસ્તાઓ વાહનવ્યવહાર માટે સદંતર બંધ છે. તેમાં પંચાયતના 76, સ્ટેટ હાઈવેના 13 અને અન્ય 6 રસ્તાઓ સામેલ છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર: નવસારીમાં 26 અને સુરતમાં 14 રસ્તાઓ બંધ છે.

સૌરાષ્ટ્રની સ્થિતિ: અમરેલીના 14 અને ગીર સોમનાથના 12 માર્ગો પર પાણી ભરાવાને કારણે બંધ કરાયા છે.

છેલ્લા 24 કલાકમાં 20 જેટલા નવા રસ્તાઓ બંધ થયા છે, જ્યારે તંત્રની મહેનતથી 16 જૂના રસ્તાઓ ફરી ચાલુ કરવામાં સફળતા મળી છે. રસ્તાઓ બંધ હોવાથી ગુજરાત ST બસ સેવાને પણ અસર પહોંચી છે. સુરત અને નવસારીના ગ્રામ્ય રૂટો પર બસો અટકાવી દેવાઈ છે, અને મુસાફરોની સુરક્ષા માટે બસોને અન્ય લાંબા પણ સલામત માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવી રહી છે. ડેપો મેનેજરોને પણ પાણી ભરાયેલા કોઝવે પરથી બસ ન ચલાવવાની કડક સૂચના અપાઈ છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ

એક્શન મોડમાં NDRF અને SDRF ની ટીમો

પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંપૂર્ણ એક્શન મોડમાં છે. આગામી દિવસોની આગાહીને જોતા સંભવિત ખતરાને પહોંચી વળવા NDRF ની 7 અને SDRF ની 11 ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ પર મૂકવામાં આવી છે.

આ ટીમો અત્યાધુનિક બોટ, કટર અને લાઈફ જેકેટ જેવા બચાવ સાધનોથી સજ્જ છે. તાજેતરમાં જ ડાંગ, ગીર સોમનાથ અને અમરેલીમાં આ ટીમોએ શાનદાર કામગીરી કરીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા. કોઈપણ ઈમરજન્સી માટે સ્થાનિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે, અને પાણી ઓસરતા જ રસ્તાઓ ખુલ્લા કરવા JCB સહિતની મશીનરી પણ તૈયાર રખાઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે