છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઈવે પર મુસાફરી કરવા માટે 20,383 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે.
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના સવાલોના જવાબમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી હાઈવે પ્રોજેક્ટ્સની વિસ્તૃત માહિતી; જાણો કયો હાઈવે ક્યારે પૂરો થશે?

- છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી ૨૦,૩૮૩ કરોડ ટોલ ટેક્સ વસૂલાયો.
- કેન્દ્ર સરકારે રાજ્યના હાઈવે માટે ૪૭,૨૩૬ કરોડ ફાળવ્યા.
- વિવિધ હાઈવે પ્રોજેક્ટ્સ ૨૦૨૬-૨૦૨૮ સુધીમાં પૂર્ણ થશે.
- અમદાવાદ-હિંમતનગર, રાજકોટ-જેતપુર કામ આગામી સમયમાં પૂર્ણ.
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના વાહનચાલકોએ નેશનલ હાઈવે પર મુસાફરી કરવા માટે કેન્દ્ર સરકારને 20,383 કરોડ રૂપિયાનો અધધ ટોલ ટેક્સ ચૂકવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે કેન્દ્ર સરકારે આ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં નેશનલ હાઇવેના વિકાસ અને સારસંભાળ માટે વસૂલેલા ટોલ કરતા બમણાથી પણ વધુ એટલે કે 47,236 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 11 માર્ચ, 2026 ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ આ મહત્વપૂર્ણ આંકડા રજૂ કર્યા હતા. આ ઉપરાંત, તેમણે રાજ્યના હાઇવે પર પડેલા ખાડાઓના સમારકામ અને ચાલી રહેલા વિવિધ મોટા પ્રોજેક્ટ્સની ડેડલાઈન વિશે પણ ખુલાસો કર્યો છે.
સાંસદ નથવાણીએ શું સવાલો ઉઠાવ્યા હતા?
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્ર સરકાર પાસે ગુજરાતના નેશનલ હાઈવે અંગે સ્પષ્ટ માહિતી માંગી હતી. તેમણે છેલ્લા 5 વર્ષમાં વસૂલાયેલો ટોલ અને તેની સામે રાજ્યને ફાળવાયેલા ભંડોળનો હિસાબ માંગ્યો હતો.
આ ઉપરાંત, વાહનચાલકોની સૌથી મોટી સમસ્યા — હાઇવે પરના ખાડાઓ અંગે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો. ખાસ કરીને ભરૂચ-સુરત અને અમદાવાદ-હિંમતનગર હાઇવે પર રસ્તાની બિસ્માર હાલત સુધારવા સરકારે શું પગલાં લીધા છે તે અંગે પૂછપરછ કરી હતી. સાથે જ, મુંબઈ-અમદાવાદ (NH-48), સુરત-દહીંસર અને અમદાવાદ-રાજકોટ-જેતપુર જેવા વ્યસ્ત રૂટ પર ચાલી રહેલા કામો ક્યારે પૂરા થશે તેની સમયમર્યાદા (Deadline) પૂછી હતી.
હાઈવેના કામો ક્યારે પૂરા થશે? જાણો નીતિન ગડકરીનો જવાબ
આ સવાલોના જવાબમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અલગ-અલગ હાઈવેના પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અને ડેડલાઈનની માહિતી આપી હતી:
વાપી-સુરત અને સુરત-ભરૂચ (NH-48): આ રૂટ પર સિક્સ-લેન (6-lane) બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે અને હાલ તે કોન્ટ્રાક્ટર દ્વારા મેન્ટેનન્સ હેઠળ છે. અહીં 16 જેટલા પુલ અને ફ્લાયઓવર/અંડરપાસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂરું કરવાનો ટાર્ગેટ છે.
ભરૂચ-વડોદરા (NH-48): આ રસ્તાનું સિક્સ-લેનિંગ 2011 માં જ પૂરું થઈ ગયું છે. હાલ અહીં 7 પુલ અને અંડરપાસનું કામ પ્રગતિમાં છે, જે ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
વડોદરા-અમદાવાદ હાઈવે: આ રૂટનું સિક્સ-લેનિંગ કામ અગાઉથી જ પૂરું થઈ ગયું છે અને તે BOT (બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર) મોડ હેઠળ ચાલી રહ્યો છે.
શામળાજી-મોટા ચિલોડા: અમદાવાદ-હિંમતનગર રૂટ પર આવતા આ પટ્ટા પર સિક્સ-લેનિંગનું બાકી રહેલું કામ આગામી જૂન 2026 સુધીમાં પૂરું થઈ જશે.
રાજકોટ-જેતપુર (NH-27): સૌરાષ્ટ્રના આ મહત્વના હાઇવેને સિક્સ-લેન બનાવવાની કામગીરી પૂરજોશમાં છે અને તે જાન્યુઆરી 2027 સુધીમાં પૂરી કરી દેવામાં આવશે.
રાજકોટ-અમદાવાદ હાઇવે: આ પ્રોજેક્ટ હાલ ગુજરાત સરકાર હસ્તક છે અને રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી આ કામ કરાવી રહી છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: દેશના આ સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, જેને માર્ચ 2028 સુધીમાં પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
છેલ્લા 5 વર્ષનો હિસાબ: ટોલની આવક સામે કેટલી થઈ ફાળવણી?
કેન્દ્ર સરકારે આપેલા આંકડાઓ નીચે મુજબ છે (રૂપિયા કરોડમાં):
| નાણાકીય વર્ષ | ગુજરાતમાંથી વસૂલાયેલો ટોલ ટેક્સ (રૂ. કરોડમાં) | વિકાસ અને જાળવણી માટે કરાયેલી ફાળવણી (રૂ. કરોડમાં) |
| 2020-21 | 3178.58 | 7533 |
| 2021-22 | 3744.36 | 10710 |
| 2022-23 | 4090.04 | 9831 |
| 2023-24 | 4394.82 | 10900 |
| 2024-25 | 4975.20 | 8262 |
| કુલ | 20383.00 | 47236.00 |
Frequently Asked Questions
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી ટોલ ટેક્સની કેટલી આવક થઈ છે?
ગુજરાતના નેશનલ હાઈવેના વિકાસ માટે કેન્દ્ર સરકારે કેટલી રકમ ફાળવી છે?
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં નેશનલ હાઈવેના વિકાસ અને જાળવણી માટે વસૂલાયેલા ટોલ કરતાં બમણાથી પણ વધુ, એટલે કે 47,236 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
રાજ્યસભામાં ગુજરાતના નેશનલ હાઈવે અંગે કયા મુખ્ય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા?
સાંસદ પરિમલ નથવાણીએ છેલ્લા 5 વર્ષમાં વસૂલાયેલા ટોલ, ફાળવાયેલા ભંડોળ, હાઇવે પરના ખાડાઓના સમારકામ અને વિવિધ પ્રોજેક્ટ્સની સમયમર્યાદા વિશે પ્રશ્નો પૂછ્યા હતા.
વાપી-સુરત અને સુરત-ભરૂચ (NH-48) હાઈવે પરના બાકી રહેલા કામો ક્યારે પૂરા થશે?
આ રૂટ પર 16 જેટલા પુલ અને ફ્લાયઓવર/અંડરપાસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂરું કરવાનો લક્ષ્યાંક છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું કામ ક્યારે પૂર્ણ થવાની અપેક્ષા છે?
દેશના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ હાલ ચાલી રહ્યું છે, જેને માર્ચ 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.






















