ગાંધીનગર: ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે આવશ્યક એવા સીટી સ્કેન- HRCT ના પરિક્ષણનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કર્યો છે. આજથી જ સમગ્ર રાજ્યમાં આ ભાવ અમલી થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓને સીટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે, અને HRCT રિપોર્ટ કરાવવો પડે છે. રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવ લે છે.


કોરોનાના દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે HRCT સીટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નક્કી કર્યા છે. ગુજરાતના કોઇપણ શહેરમાં કોઇપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સીટી સ્કેન ના ભાવ રૂ. 3,000થી વધારે લેતા જણાશે કે જાણમાં આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ લેબોરેટરીઓ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોને અપીલ કરી છે કે, કોરોનાના દર્દીઓને વધુમાં વધુ રાહત આપી શકાય તે માટે તત્પર રહેવું જોઈએ.


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે.  દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં વધુ 94 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 પર  પહોંચી ગયો છે.   


રાજ્યમાં આજે 3387 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,29,781 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 49  હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોંચ્યો છે. જેમાંથી 283 લોકો વેન્ટિલેટર પર અને 49454 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 85.73  ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચ્યો છે.