- 26 એપ્રિલ, 2026ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મહાનગરપાલિકા, પંચાયત વગેરે) માટે સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન થશે.
- મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલું 'મતદાર ઓળખપત્ર' (Voter ID) સૌથી મહત્વનો દસ્તાવેજ છે.
- જો વોટર ID ન હોય, તો આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાસપોર્ટ સહિતના ૧૪ નિર્ધારિત અસલ દસ્તાવેજોમાંથી કોઈ પણ એક બતાવીને પણ વોટ આપી શકાશે.
Gujarat local body elections 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આવતીકાલે એટલે કે 26 એપ્રિલ, 2026 ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો માટે પણ પેટા ચૂંટણી થશે. આ તમામ બેઠકો માટે સવારે 7:00 વાગ્યાથી શરૂ કરીને સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
મતદાન મથક પર વોટ આપવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલું મતદાર ઓળખપત્ર (Voter ID / EPIC) હોવું ખૂબ જરૂરી છે. પરંતુ જો કોઈ કારણસર તમારી પાસે અત્યારે મતદાર કાર્ડ નથી અથવા તો તે ક્યાંક મુકાઈ ગયું છે, તો તમારે મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. ચૂંટણી આયોગના નિયમ મુજબ, તમે નીચે દર્શાવેલા 14 વૈકલ્પિક દસ્તાવેજોમાંથી કોઈપણ એક અસલ પુરાવો બતાવીને પણ તમારી ઓળખ સાબિત કરી શકો છો અને તમારો કિંમતી વોટ આપી શકો છો.
જો વોટર ID ન હોય તો, આ 14 માંથી કોઈ એક પુરાવો સાથે રાખો:
- ફોટાવાળો ઓરિજિનલ પાસપોર્ટ
- ડ્રાઇવિંગ લાયસન્સ (જે ચૂંટણીની તારીખથી ઓછામાં ઓછા 1 મહિના પહેલા ઇશ્યૂ થયેલું હોય)
- પાન (PAN) કાર્ડ
- કેન્દ્ર કે રાજ્ય સરકાર, જાહેર સાહસો અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટાવાળું ઓળખકાર્ડ (ID Card)
- બેંક અથવા પોસ્ટ ઓફિસની ફોટાવાળી પાસબુક (1 મહિના પહેલા ઇશ્યૂ થયેલી)
- SC/ST કે OBC વર્ગ માટે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલું ફોટાવાળું પ્રમાણપત્ર
- ફોટાવાળું પેન્શન સર્ટિફિકેટ (જેમ કે માજી સૈનિકની પેન્શન બુક, વિધવા પેન્શન બુક કે વૃદ્ધાવસ્થા પેન્શન ઓર્ડર - 1 મહિના પહેલાનું)
- કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલું સ્વતંત્રતા સેનાનીનું ફોટાવાળું ઓળખકાર્ડ
- હથિયાર માટેનું ફોટાવાળું લાયસન્સ (1 મહિના પહેલા ઇશ્યૂ થયેલું)
- સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગ વ્યક્તિનું ફોટાવાળું પ્રમાણપત્ર
- મનરેગા (MNREGS) યોજના હેઠળ અપાતું ફોટાવાળું જોબ કાર્ડ
- ESI યોજના હેઠળ આપવામાં આવેલું હેલ્થ કે ઓળખકાર્ડ
- નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) યોજના હેઠળ આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ
- UIDAI દ્વારા આપવામાં આવેલું આધાર કાર્ડ
