અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. સપ્ટેમ્બરની શરૂઆતથી રોજના 1300થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 113,662 પર પહોંચી છે. રાજ્યમાં મૃત્યુઆંક 3213 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16439 એક્ટિવ કેસ છે, જ્યારે 94010 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 87 દર્દી વેન્ટીલેટર પર છે અને 16352 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઈ કેટલીક જગ્યાએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

ખેડબ્રહ્મામાં આજથી 21 તારીખ સુધીનું સ્વયંભૂ લોકડાઉન છે. મુખ્ય બજાર બંધ રહેશે. જીવનજરૂરી ચીજો માટે બજાર સવારે 8 થી 11 ખુલ્લું રહેશે. નગરપાલિકા દ્વારા નગરની ગલીએ ગલીએ જાહેરાત કરી આઠ દિવસ સ્વયંભૂ બજાર બંધ રાખવા અપીલ કરાઈ છે. જોકે, આ વચ્ચે આવશ્યક સેવાઓ જેમ કે, દૂધ પાર્લર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે.

સુરતના માંગરોળમાં 12 સપ્ટેમ્બરથી 12 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન છે. માંગરોળના બજારો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે પરંતુ આવશ્યક સેવા જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો રાબેતા મુજબ ખુલ્લી રહેશે. જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો છે.

રાજકોટ દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સોમવારે સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રહેશે. જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાનો કાળો પડછાયો વધી રહ્યો છે ત્યારે પરિસ્થિતિની ગંભીરતાને પારખીને લોકો લોકડાઉન જાહેર કરી રહ્યા છે.