Gujarat: રાજ્યભરમાં ફરી એકવાર આંદોલનનો દોર શરૂ થઇ શકે છે. રાજ્યમાં મધ્યાહન ભોજન કર્મચારીઓઓ તેલ-કઠોળ અને પગારને લઇને પડી રહેલા મુશ્કેલીઓના કારણે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. મધ્યાહન ભોજન કર્મચારીઓનો આરોપ છે કે કઠોળ અને તેલ પુરા પાડવાને લઇને ધાંધિયા થઇ રહ્યાં છે.


મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં મધ્યાહન ભોજન કર્મચારીઓ આગામી સમયમાં આંદોલનના માર્ગે જઇ શકે છે. તેઓનું કહેવુ છે કે, મધ્યાહન ભોજનમાં અત્યારે કઠોળ અને તેલ પૂરા પાડવામાં ધાંધિયા થઇ રહ્યાં છે, આને આ પ્રશ્નથી ૪૩ લાખ જેટલા બાળકોના રોજિંદા ભોજન ઉપર પણ ખરાબ અસર પડી રહી છે. મધ્યાહન ભોજન કર્મચારીઓની રજૂઆત છે કે, આ પ્રશ્નનો વહેલામાં વહેલી તકે સરકાર ઉકેલ લાવે, કેમ કે છેલ્લા ત્રણ મહિનાથી કઠોળ અને તેલનો જથ્થો મેળવવામાં ધાંધિયા થઇ રહ્યાં છે. આ ઉપરાંત મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા ૯૬ હજાર જેટલા કર્મચારીઓને વેતનને લઇને પણ મુશ્કેલીઓ નડી રહી છે, તેઓનું કહેવું છે કે, સમયસર વેતન પણ ચૂકવાતું નથી. મધ્યાહન ભોજન કર્મચારીઓનું કહેવું છે કે, કર્મચારીઓના વેતન અને કઠોળ-તેલની સમયસર વ્યવસ્થામાં કરવામાં નહીં આવે આંદોલન કરવામાં આવી શકે છે, કર્મચારીઓએ સરકારને આગામી 31 ઓગસ્ટ સુધી આ અંગે નક્કર પગલાં લેવા રજૂઆત કરી છે, જો સમસ્યાનો હલ નહીં થાય તો તેઓએ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.


ગુજરાતમાં મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે


ગુજરાતમાં મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, ગુજરાતના 20 જિલ્લામાં મધ્યાહન ભોજન માત્ર ઘઉં-ચોખાથી ચાલે છે. આમ હાલમાં રાજ્યમાં 29000 મધ્યાહન ભોજન કેન્દ્રો રામ ભરોસે ચાલી રહ્યા છે. ગુજરાતના મધ્યાહન ભોજનમાં જુલાઈ મહિનાનું એકપણ પ્રકારનું અનાજ પહોંચાડવા આવ્યું નથી. મધ્યાહન ભોજન સંચાલકો પોતે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી બાળકોને ભોજન પુરૂ પાડે છે. ગુજરાતના મધ્યાહન ભોજનમાં ચાલું મહિનાનો અનાજનો જથ્થો નથી આપવામાં આવ્યો. ગુજરાતના ૨૦ જીલ્લામાં મધ્યાહન ભોજન માત્ર ઘઉં અને ચોખાથી ચાલતા હોવાની માહિતી સામે આવી છે. રાજ્યમાં ૨૯ હજાર મધ્યાહન ભોજનના કેન્દ્રોમાં આજ સ્થિતિમાં ચાલી રહ્યા છે. જે મેનુ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તે પ્રમાણે કોઈ ખરીદી કરવામાં આવતી જ નથી.


અવાર નવાર સડેલું અનાજ આપવામાં આવે છે. પુરવઠા નિગમ દ્વારા આ અનાજની ખરીદી થતી હોય છે તેઓ ગુણવત્તાવાળું અનાજ નથી આપતા તેવી ફરિયાદો ઉઠી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં રાજ્યમાં અંદાજીત ૪૫ લાખ બાળકો મધ્યાહન ભોજન લઇ રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે રાજ્યમાં ચાલતા મધ્યાહન ભોજનને લઈને સવાલો  ઉઠ્યા હોય. આ પહેલા પણ ઘણીવાર મધ્યાહન ભોજન માટે અપાતા અનાજની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી ચૂક્યા છે. જો કે, આ તમામ સવાલો વચ્ચે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.