gujarat monsoon update 2026: ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં બેસી જતું ચોમાસું આ વર્ષે ખેંચાયું છે. ચોમાસાના આગમનમાં વિલંબ થતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. એક તરફ વાવણી માટે વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે, તો બીજી તરફ અલનીનોની અસરને કારણે હવામાન વિભાગ (IMD) દ્વારા આ વર્ષે સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી રાજ્યમાં સારો વરસાદ થઈ રહ્યો હતો, પરંતુ આ વર્ષે ચોમાસું મોડું બેસવા સાથે સંકટના વાદળો પણ ઘેરાયા છે. મહારાષ્ટ્રમાં ચોમાસું સંપૂર્ણ કવર થયા બાદ જ ગુજરાતમાં મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થશે.
ચોમાસાની વર્તમાન સ્થિતિ અને આગમનની શક્યતા
છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ તો, 2025માં 16 જૂને ચોમાસું બેસી ગયું હતું, જ્યારે 2024માં તો 3 દિવસ વહેલા એટલે કે 12 જૂને જ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી. સામાન્ય રીતે 30 જૂન સુધીમાં આખા રાજ્યમાં વરસાદી માહોલ જામી જતો હોય છે, પણ આ વખતે 15 જૂન વીતી જવા છતાં હજુ સુધી સત્તાવાર આગમનનું કોઈ પૂર્વાનુમાન નથી.
હાલમાં દેશના 9 રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી ચાલુ છે, પરંતુ ઘણા વિસ્તારો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ચોમાસું હાલ અરબી સમુદ્રમાં 8 જૂનથી અને તેલંગાણાના ભદ્રાચલમમાં છેલ્લા 6 દિવસથી અટકેલું છે. જોકે, સારા સમાચાર એ છે કે હવામાન મોડેલ્સ મુજબ આ સપ્તાહના અંત સુધીમાં પરિસ્થિતિ સુધરશે. જેટ સ્ટ્રીમ નબળી પડતાં મોન્સૂની પવનો તેજ બનશે. આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના વધુ વિસ્તારો, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા અને બિહારમાં આગળ વધશે. મહારાષ્ટ્ર સંપૂર્ણ કવર થયા બાદ તે ગુજરાતમાં દસ્તક દેશે.
અમદાવાદમાં ગરમી યથાવત્ રહેશે
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, પરંતુ ગરમીથી હાલ પૂરતી કોઈ મોટી રાહત મળવાની આશા નથી. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.9 ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ પારો 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેશે.
આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: અલનીનો વચ્ચે પણ ગુજરાતમાં આ તારીખથી જામશે ધોધમાર વરસાદ
આગામી 7 દિવસની આગાહી: ક્યાં પડશે વરસાદ?
ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે:
16 અને 17 જૂન: દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીની સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ કે ઝાપટાં પડી શકે છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સંપૂર્ણપણે સૂકા રહેશે.
18 થી 20 જૂન: દક્ષિણ ગુજરાતના ઉપરોક્ત જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહેશે.
કોઈ ગંભીર ચેતવણી નહીં: રાહતની વાત એ છે કે આગામી 7 દિવસ માટે રાજ્યના કોઈ પણ ભાગમાં ભારે વાવાઝોડા કે વીજળી પડવાની ગંભીર ચેતવણી (એલર્ટ) આપવામાં આવી નથી.
હાલ ગુજરાતના વાતાવરણમાં નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે આગામી દિવસોમાં ચોમાસાના આગમન માટે સાનુકૂળ પાયો તૈયાર કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
