gujarat monsoon delay news: રાજ્યના ખેડૂતો આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છે તેવા ચોમાસાને લઈને હવામાન વિભાગે થોડા નિરાશાજનક સમાચાર આપ્યા છે. અલનીનોની અસર અને નબળા મોનસૂન ફ્લોના કારણે આ વર્ષે ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રીમાં વિલંબ થશે. જોકે, રાહતની વાત એ છે કે પાકિસ્તાન અને રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે.
ચોમાસામાં કેમ થશે વિલંબ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જતું હોય છે. પરંતુ, આ વર્ષે પરિસ્થિતિ થોડી અલગ છે. હાલમાં મોનસૂનનો ફ્લો નબળો પડી ગયો હોવાથી રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થવામાં હજુ થોડો સમય લાગશે, જેથી ખેડૂતોએ વાવણી માટે હજુ થોડી વધુ રાહ જોવી પડશે.
આગામી દિવસોમાં ક્યાં પડશે વરસાદ?
ભલે ચોમાસું મોડું બેસે, પરંતુ પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. જાણો કઈ તારીખે ક્યાં વરસાદ પડશે:
15 અને 16 જૂન: આ બે દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ - સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે જ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
17 જૂન: આ દિવસે વરસાદનો વ્યાપ થોડો વધશે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.
ચોમાસાને લઈ અંબાલાલની મોટી આગાહી
આકરી ગરમી અને બફારાનો સામનો કરી રહેલા ગુજરાતીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, રાજ્યમાં આજકાલથી જ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને 23 જૂનથી નિયમિત ચોમાસાનો પ્રારંભ થઈ જશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનતી બે નવી સિસ્ટમના કારણે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાની પૂરી શક્યતા છે, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 20 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ પડશે. ખાસ કરીને 16 જૂન સુધી ઘણા વિસ્તારોમાં ભારે પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓ (આંધી-વંટોળ) સાથે વરસાદ થવાની સંભાવના છે. આજકાલમાં જ હિંમતનગર, સાબરકાંઠાના ભાગો, પંચમહાલ, મધ્ય ગુજરાત, અમદાવાદના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે અને ધીમે ધીમે કાળઝાળ ગરમીમાંથી લોકોને છુટકારો મળશે.
