Gujarat Rain: ગુજરાતમાં વરસાદે ચાર રાઉન્ડમાં જળબંબાકારની સ્થિતિ કરી નાંખી છે. નદી નાળામાં નવા નીરની આવક થવા પામી છે અને જળાશયો પણ છલકાઈ ગયાં છે. રાજ્યમાં છેલ્લા 24 તાલુકામાં 128 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ મહિસાગરના લુણાવાડામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.


24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ



  • બનાસકાંઠાના દાંતામાં પોણા બે ઈંચ વરસાદ

  • બનાસકાંઠાના અમીરગઢમાં દોઢ ઈંચ વરસાદ

  • આણંદના આંકલાવમાં સવા ઈંચ વરસાદ

  • સાબરકાંઠાના પોશીનામાં સવા ઈંચ વરસાદ

  • મહિસાગરના સંતરામપુરમાં સવા ઈંચ વરસાદ

  • ડાંગના સુબિરમાં એક ઈંચ વરસાદ

  • ખેડાના નડીયાદ અને ડાંગના આહવામાં એક ઈંચ વરસાદ

  • વલસાડના કપરાડામાં એક ઈંચ વરસાદ

  • ધરમપુર, મેંદરડા, ચીખલીમાં પોણો ઈંચ વરસાદ

  • ભાભર, દેવગઢ બારીયા, વલસાડમાં અડધો ઈંચ વરસાદ

  • ગરબાડા, દાહોદ, નવસારી, ડોલવણમાં અડધો ઈંચ વરસાદ


પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના


હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલ ગુજરાત રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં સીઝનનો 78 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.  હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદના કેટલાક રાઉન્ડ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જોકે ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે. આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટછવાયો અથવા હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.




રાજ્યમાં વરસાદના ચાર રાઉન્ડ બાદ 207 જળાશયોમાં માત્ર 70 ટકા જ પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 69.65, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 45.64, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 71.09, કચ્છના 20 જળાશયોમાં 66.78 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 82.10 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવરની વાત કરીએ તો નર્મદા ડેમમાં હાલ 73.15 ટકા પાણી છે. એટલે કે રાજ્યના 207 જળાશયોમાં હાલની સ્થિતિએ 70.47 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં વરસાદના ચાર રાઉન્ડ બાદ પણ માત્ર 70 ટકા પાણીનો જથ્થો આગામી સમય માટે ચિંતાજનક સ્થિતિ તરફ આંગણી ચિંધે છે. રાજ્યમાં 90 ટકાથી વધુ ભરાયેલા 88 ડેમને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યાં છે. જ્યારે 20 ડેમ એવા છે જેમાં 80 ટકા જેટલું પાણી છે. આ ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. તે ઉપરાંત 17 ડેમમાં 70 ટકાથી વધુ પાણી હોવાથી તેને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 81 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી હોવાથી તેમને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. વરસાદના ચાર રાઉન્ડ બાદ રાજ્યના 207 જળાશયોમાંથી માત્ર 88 જળાશયો જ સંપૂર્ણ ભરાયેલા છે.