Gujarat Monsoon Update: વરસાદને લઈને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ભારે વરસાદ નહીં પડે. ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ અને ગરમીનો અહેસાસ થશે. વીજળીના કડાકા ભડકા સાથે કોઈ જગ્યાએ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.



કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂકું વાતાવરણ રહેશે. 5 દિવસ બાદ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં સામાન્ય 34 થી 36 તાપમાન રહેશે. અમદાવાદમાં ભારે વરસાદની શકયતા નહીંવત્ છે, છુટા છવાયો વરસાદ પડી શકે છે.


ચોમાસાની સિઝન પુરી થવાની તૈયારીમાં છે, ત્યારે સુરતમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આજે મંગળવારે બપોરે કેટલાય વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો છે, આ ઉપરાંત મજૂરા, નાનપુરા, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારમાં વરસાદ પણ ગાજવીજ સાથે વરસાદ ખાબકી રહ્યો છે, એટલુ જ નહીં શહેરના લિંબાયત, ઉધના, પાલ, અડાજણ વિસ્તારોમાં ભર બપોરે વરસાદી માહોલ છવાયો છે. અચાનક બપોરના સમયે શરૂ થયેલા વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે, અને લોકો અટવાયા છે.    




રાજ્યના 207 જળાશયોમાં 94.14 ટકા પાણીનો જથ્થો


રાજ્યના જળાશયોની વાત કરીએ તો રાજ્યના 207 જળાશયોમાં 94.14 ટકા પાણીનો જથ્થો છે. જેમાં 61 ડેમ સંપૂર્ણ છલકાઈ ગયાં છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 80.35, મધ્યગુજરાતના 17 ડેમમાં 97.78, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 97.35, કચ્છના 20 ડેમમાં 71.64, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 81.23 ટકા અને સરદાર સરોવર ડેમમાં 97.46 ટકા પાણીનો જથ્થો છે. ગુજરાતમાં 90 ટકાથી વધુ ભરાયેલા 108 ડેમ હાઈએલર્ટ, 80 ટકાથી વધુ ભરાયેલા 19 ડેમ એલર્ટ અને 70 ટકાથી વધુ ભરાયેલા 18 ડેમને ચેતવણી પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 70 ટકાથી ઓછા ભરાયેલા ડેમને કોઈ ચેતવણી આપવામાં આવી નથી.


અંબાલાલ પટેલે શું કરી છે આગાહી


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં  28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે.  2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે.  જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે.  જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે.  જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.