Gujarat Morbi Bridge Collapse: પોલીસે સોમવારે  મોરબી જિલ્લામાં થયેલા પુલ દુર્ઘટનામાં નવ લોકોની ધરપકડ કરી હતી. તેમને કસ્ટડીમાં લીધા પછી, પોલીસ આરોપીઓને હોસ્પિટલમાં લઈ ગઈ અને કોવિડ માટે તેમનો ટેસ્ટ કરાવ્યો. આ બનાવ સંદર્ભે મોરબી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે જેઓની ધરપકડ કરી છે તેમાં બે મેનેજર, બે રિપેરિંગ કોન્ટ્રાક્ટર પિતા-પુત્ર, ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને બે ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે.


રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવે સોમવારે જણાવ્યું હતું કે મોરબીમાં કમનસીબ ઘટના બની છે, અમે શોક વ્યક્ત કરીએ છીએ. આ પુલ ગઈકાલે સાંજે 6.30 કલાકે ધરાશાયી થયો હતો. અમે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે આઈપીસીની કલમ 304, 308 હેઠળ એફઆઈઆર નોંધી છે. આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે.


સ્થાનિકોએ બચાવ કાર્યમાં મદદ કરી હતી


આઈજી અશોક યાદવે જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાં ઓરેવા કંપનીના મેનેજર અને ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે સ્થાનિક લોકોએ બચાવ કાર્યમાં ઘણી મદદ કરી છે. નોંધનીય છે કે આ દુર્ઘટના મોરબીમાં રવિવાર (30 ઓક્ટોબર)ના રોજ સાંજે બની હતી જ્યારે મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં 134થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોપ છે કે બ્રિજની ઓપરેટર કંપનીએ સમય પહેલા બ્રિજ ખુલ્લો કરી દીધો હતો. 



દુર્ઘટના મામલે કુલ 9 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દુર્ઘટનામાં 134 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. 100 થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી છે. 1887 માં મોરબી સ્ટેટ દ્વારા પુલ બનાવવામાં આવ્યો હતો.  અગાઉ અવારનવાર સરકાર દ્વારા અલગ-અલગ ખાનગી એજન્સીઓને સમારકામ મેન્ટેનન્સ તેમજ મેનેજમેન્ટ અર્થે કામ સોંપવામાં આવતું રહ્યું છે.  છેલ્લા આઠ માસથી મેન્ટેનન્સ અર્થે પુલ બંધ રાખવામાં આવ્યો હતો. 26 - 10 - 2022 થી લોકો માટે પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દિવાળીના તહેવાર અંતર્ગત લોકોની વધુ પડતી ભીડ રહેતી હતી. ફુલ મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટની ખામીના લીધે ધરાશાઈ થયેલ હોય જે બાબતની ફરિયાદ બી ડિવિઝન પીઆઇ દ્વારા નોંધાવવામાં આવી છે.  સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને  પાર્ટ ગુના રજીસ્ટર નંબર 2003/2022 આઇપીસીની કલમ 304, 308, 114 મુજબ રજીસ્ટર કરવામાં આવેલ છે ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ઘટનામાં સંડોવાયેલા ચાર જેટલા આરોપીઓ મોરબીના રહેવાસી છે. બે જેટલા આરોપીઓ ધાંગધ્રાના રહેવાસી છે. જ્યારે  ત્રણ જેટલા આરોપીઓ દાહોદના વતની હોવાનું સામે આવ્યું છે.



પકડાયેલ 9 આરોપીઓના નામ:


- દિપક પારેખ(મોરબી)44 વર્ષ
-દિનેશ દવે(મોરબી)41
-મનસુખ ટોપીયા (મોરબી)59
-માદેવ સોલંકી( મોરબી)36
-પ્રકાશ પરમાર(ધ્રાંગધા)63
-દેવાંગ પરમાર (ધ્રાંગધા)31
-અલ્પેશ ગોહિલ(દાહોદ)25
-દિલીપ ગોહિલ(દાહોદ)33
-મુકેશ ચૌહાણ(દાહોદ)26.