Unseasonal Rain: ગુજરાતમાં આજે ઠેર ઠેર માવઠું થઇ શકે છે, હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 25 જિલ્લામાં વરસાદ ખાબકી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં જોરદાર માવઠું થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લૉનિક સર્ક્યૂલેશનના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને વાદળછાયા અને ધુમ્મસભર્યા વાતાવરણ સર્જાયુ છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠું -કમોમસી વરસાદના ઝાપટા પડશે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીએ જોર પકડ્યું છે, આ સાથે હવે રાજ્યમાં વરસાદની પણ આગાહી કરવામાં આવતા લોકોમાં ચિંતા પેઠી છે. હવામાન વિભાગ અને આગાહીકારોએ ડિસેમ્બર મહિનાના અંતમાં રાજ્યમાં માવઠાની આગાહી કરી છે જે અનુસાર, રાજ્યમાં આજે 25 જિલ્લામાં માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. આજની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં હળવો વરસાદ ખાબકશે. જેમાં મહિસાગર, પંચમહાલ, દાહોદમાં હળવા વરસાદનું અનુમાન છે, આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં પણ ત્રણ કલાક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદની આગાહીની વાત કરીએ તો, આ 24 કલાક દરમિયાન રાજ્યના 7 જિલ્લામાં વરસાદ પડી શકે છે. આ 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે. ભરશિયાળે હવામાનમાં આવેલા પલટાના કારણ વિશે માહિતી આપતાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં સાયક્લૉનિક સર્ક્યૂલેશન સક્રિય છે. નૉર્થ પાકિસ્તાનથી લઈને સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ અરેબિયન સી સુધી એક ટ્રફ બનેલું છે, તેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ શુક્રવારે તેમણે જણાવ્યું હતું કે, 24 કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. તે બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 28મી તારીખની મોડી રાતથી આપણે આ માવઠામાંથી મુક્ત થઈ જઈશું અને વાતાવરણ ચોખ્ખું થઈ જશે. 29મી તારીખથી શિયાળું વાતાવરણ સામાન્ય થશે. 29, 30 અને 31 તારીખે ડિસેમ્બર મહિનાની સૌથી વધુ ઠંડી પડશે.
તો વળી, બીજીબાજુ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક ભાગોમાં ડિસેમ્બરના અંતમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. ગુજરાતમાં શિયાળાના અંતમાં કસમયે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમજ કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 27 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર વચ્ચે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ