Gujarat: રાજ્યમાં શિક્ષિત ઉમેદવારોને રોજગારી પુરી પાડવા માટે સરકારે ખાસ આયોજનો અને યોજનાઓ બનાવી છે. આજે રાજ્યમાં ચાલી રહેલી રોજગાર કચેરીઓને લઇને મહત્વની વાત કહી હતી. શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે માહિતી આપી હતી કે, રોજગાર કચેરીઓ દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સતત વર્ષ 2002થી દેશમાં પ્રથમ ક્રમાંકે છે. ગુજરાતમાં બેરોજગારી સૌથી ઓછી છે.
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે, રોજગાર કચેરીઓના માધ્યમથી રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં વર્ષ 2002થી સતત પ્રથમ રહ્યું છે. માત્ર છેલ્લા પાંચ વર્ષમાં જ ગુજરાતની રોજગાર કચેરીઓ દ્વારા 13.86 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. પરિણામે ગુજરાતનો બેરોજગારી દર દેશમાં સૌથી ઓછો છે.
વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, ગુજરાતના દરેક જિલ્લામાં કાર્યરત મોટાભાગના ઉદ્યોગ એકમો દ્વારા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ નિયમોનું ઉલ્લંઘન કરતા ઉદ્યોગો સાથે બેઠક કરીને નોટિસ આપવામાં આવે છે અને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.
સ્થાનિક રોજગારીની ટકાવારી અંગે મંત્રીએ કહ્યું હતું કે, ખેડા જિલ્લામાં કાર્યરત કુલ 150 ઉદ્યોગ એકમો દ્વારા 23,896 પૈકી 22,680 એટલે કે 95 ટકા રોજગારી સ્થાનિકોને આપવામાં આવી છે. તેવી જ રીતે, સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત 67 ઉદ્યોગો દ્વારા 11,892 પૈકી 10,563 એટલે કે 89 ટકા રોજગારી સ્થાનિકોને આપવામાં આવી છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ખાનગી ઉત્પાદનલક્ષી એકમોમાં મેનેજર/સુ૫રવાઈઝરી કક્ષામાં 60 ટકા તેમજ કામદાર કક્ષામાં 85 ટકા મળી એકંદરે ઓછામાં ઓછી 85 ટકા રોજગારી સ્થાનિકોને આપવાની જોગવાઈ છે. ગુજરાતના દરેક જિલ્લામાં સ્થાનિક રોજગારીની ટકાવારી જળવાઈ રહે તે માટે સતત મૉનિટરિંગ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો
Gujarat: જુનાગઢના લાભાર્થીઓએ માનવ કલ્યાણ યોજના હેઠળ મેળવી સહાય, મંત્રીએ બળવંતસિંહે આપી માહિતી