ગાંધીનગરઃ ગુજરાતમાં ઓમિક્રોનના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા બે જ દિવસમાં 28 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઓમિક્રોન સાથે કોરોનાના કેસો પણ વધતાં હાહાકાર મચી ગયો છે. ગઈ કાલે 24 કેસો નોંધાયા પછી આજે બપોર સુધીમાં ઓમિક્રોનના નવા 4 કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, પોરબંદર અને સુરતમાં એક-એક ઓમિક્રોનના કેસ નોંધાયા છે. 


મહેસાણામાં જિલ્લામાં ઓમીક્રોન કોરોનાની એન્ટ્રી થઈ છે. પીલાજી ગંજ વિસ્તારમાં ઓમીક્રોન કેસ સામે આવ્યો છે. Omicron પોઝિટિવ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકા હોવાનું સામે આવ્યુ છે. 5 દિવસ પહેલા જ આફ્રિકાથી યુવાન આવ્યો હતો. આરોગ્ય વિભાગે શંકાસ્પદ લાગતા હોસ્પિટલમાં આઇસિલેટ કર્યો હતો. આજે રિપોર્ટ આવતા ઓમિક્રોન પોઝિટિવ હોવાનું આવ્યું સામે. મહેસાણા શહેર માં ઓમીક્રોન કેસ થી આરોગ્ય તંત્ર દોડતું થયું. અગાઉ 3 ઓમીક્રોન વિજાપુર તાલુકામાં નોંધાયા હતા.


સાબરકાંઠા જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. જિલ્લામાં પ્રથમ ઓમીક્રોન કેસ નોંધાયો છે. દર્દી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઇડરના ભદ્રેસરની મહિલાને ઓમિક્રોન પોઝીટીવ આવ્યો છે. કેનેડાથી આવ્યા બાદ તેમના પતિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. મહિલાએ ફાયઝરના રસીના બે ડોઝ લીધા છે. આરોગ્ય વિભાગ દ્વારા માહિતી એકઠી કરાઈ રહી છે. સુરતમાં 32 વર્ષીય હીરા વેપારી ઓમિક્રોન સંક્રમિત આવ્યા છે. નૈરોબીથી પોરબંદર આવેલા વૃદ્ધ પણ ઓમિક્રોન સંક્રમિત આવ્યા છે. 


રાજ્યમાં ગઈ કાલે ઓમિક્રોનના 24 કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના 24 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ 13 કેસ નોંધાયા છે. જેમાં 13 લોકો ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધારવતા હતા. 4 લોકો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. 


રાજ્યમાં બે દિવસમાં ઓમિક્રોનના 28 નવા કેસ નોંધાયા તેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 13, અમરેલી 1, આણંદ, 1, ભરુચ 1, ગાંધીનગર કોર્પોરેશન 4, રાજકોટ કોર્પોરેશન 4, વડોદરામાં 1, સાબરકાંઠામાં 1, પોરબંદરમાં 1, સુરતમાં 1 અને મહેસાણામાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 77 પર પહોંચી ગઈ છે. જેમાંથી 17 લોકોને ડીસ્ચાર્જ કરાયા છે.