Gujarat State Pharmacy Council guidelines 2025: ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ડિપ્લોમા અને ડિગ્રી ફાર્મસી કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને છેતરામણી અને શોષણથી બચાવવાનો છે, કારણ કે અમાન્ય બોર્ડમાંથી ધોરણ ૧૨ પાસ કરનાર અથવા અમાન્ય કોલેજોમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ફાર્મસિસ્ટ તરીકે રજિસ્ટ્રેશન મેળવી શકશે નહીં.
ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ડિપ્લોમા ડિગ્રી ફાર્મસી કોર્સમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ સૂચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને છેતરામણીનો ભોગ બનતા અટકાવવાનો અને તેમનું શોષણ થતું અટકાવવાનો છે.
પ્રવેશ માટેની લાયકાત
ગુજરાત ફાર્મસી કાઉન્સિલ અધિનિયમ, ૧૯૪૮ ની જોગવાઈ મુજબ, ડિપ્લોમા ઇન ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા મેથેમેટિક્સના વિષયો સાથે પાસ કરેલી હોવી જોઈએ.
અમાન્ય બોર્ડ/કોલેજનો ખતરો
કાઉન્સિલ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે, જે વિદ્યાર્થીઓએ અમાન્ય બોર્ડમાંથી ધોરણ ૧૨ પાસ કરી ફાર્મસીમાં એડમિશન મેળવેલ હશે, તો તેવા વિદ્યાર્થીઓ ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા રજિસ્ટ્રેશનને પાત્ર ગણાશે નહીં.
વધુમાં, ધોરણ ૧૨ ના પરિણામ આવ્યા બાદ ફાર્મસી વિદ્યાશાખામાં ડિપ્લોમા અથવા ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ખૂબ જ સ્પર્ધા થાય છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓએ ગુજરાત અથવા ગુજરાત બહાર કોઈપણ કોલેજમાં પ્રવેશ લેતા પહેલાં, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) એ તે ફાર્મસી કોલેજને માન્યતા આપેલ છે કે કેમ તેની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવા જણાવાયું છે. PCI એ મંજૂર કરેલી બેઠકો કરતાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો પણ તે અમાન્ય ગણાય છે.
રજિસ્ટ્રેશન ન મળવાના સંજોગો
ફાર્મસી કાઉન્સિલ દ્વારા માન્યતા આપવામાં આવેલ ન હોય તેવી કોલેજમાં અભ્યાસ કરનાર, અથવા મંજૂર કરેલ બેઠકો કરતાં વધારે બેઠકો ઉપર પ્રવેશ મેળવનાર, અથવા સંબંધિત કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા જે ઓથોરિટી લેતી હોય તેને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ માન્યતા નહીં આપેલ હોય, તેમજ ધોરણ ૧૨ અમાન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે નહીં. ઉપરોક્ત સંજોગોમાં ડિપ્લોમા અથવા ડિગ્રી મેળવનાર વ્યક્તિઓને ફાર્મસિસ્ટ તરીકેનું કાયદાનુસાર રજિસ્ટ્રેશન મળવાપાત્ર નથી.
માન્ય કોલેજોની યાદી
ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય કોલેજોની યાદી PCI ની વેબસાઇટ www.pci.nic.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની અખબારી યાદીમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આ વેબસાઇટ પરથી માહિતી મેળવીને જ પ્રવેશ પ્રક્રિયા આગળ વધારવા વિનંતી કરવામાં આવી છે.