ભુજની પાલારા જેલમાંથી પહેલા ભુજની જનરલ હોસ્પિટલમાં આવ્યા બાદ ત્યાથી પોલીસ તથા અન્ય સાગરીતોની મદદથી ફરાર થયેલા ગોંડલનો કુખ્યાત આરોપીને પોલીસે 3 દિવસમા ઝડપી લીધો છે. પશ્ચિમ કચ્છ પોલીસ તથા રાજકોટ રૂરલે તેને ઝડપવા માટે ટીમ બનાવી હતી. કુખ્યાત આરોપી નિખિલ દોંગાને ઉત્તરાખંડના નૈનીતાલથી ઝડપી લેવામાં આવ્યો છે.
જો કે તેની મદદગારી કરનાર તેની સાથે ઝડપાયા છે કે નહી તે વિગતો હજુ સામે આવી નથી. પરંતુ પશ્ચિમ કચ્છ પોલીસ તથા રાજકોટ પોલીસે તેને ઝડપી પાડ્યો છે. વધુ તપાસ માટે ભુજ લાવવામાં આવશે. ચકચારી એવા કિસ્સામા અત્યાર સુધી તેની મદદગારી કરનાર 4 પોલીસ કર્મચારીઓ સામે ફરીયાદ નોંધી ધકપકડ કરી છે. ત્યારે હવે નિખિલ દોંગા પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
રાજકોટ જિલ્લાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર થઈ જતા ખળભળાટ મચ્યો હતો. નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ કચ્છની પાલારા જેલમાં ખસેડવામા આવ્યો હતો. જેલમાં બંધ આરોપીની તબિયત લથડતા ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાંથી ચકમો આપી ફરાર થઈ જતા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
અગાઉ પણ જેલમાં બંધ રહી અને ક્રાઈમનું નેટવર્ક ચલાવતા હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલ છે. પોલીસને ચકમો આપી અને ફરાર થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ અગાઉ રાજકોટના આ કુખ્યાત આરોપી નિખિલ દોંગા અને તેની ગેંગના સાગરિતો ગોંડલ જેલમાં બંધ હોવા છતા પોતાનું ક્રાઈમ નેટવર્ક ચલાવતા હોવાનો ખુલાસો થયો હતો. નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ગોંડલ જેલના તત્કાલીન જેલર ડી.કે. પરમાર સામે પણ ગુજસીટોકનો ગુનો નોંધવામા આવ્યો હતો. જેલર ડી.કે.પરમારે નિખિલ દોંગા અને તેની ગેંગને જેલમાં ફેસિલીટી પૂરી પાડી હોવાનો ખુલાસો થયો હતો. જેલમાં બેસી ગેંગ ચલાવવા નિખિલ દોંગા કુખ્યાત હોય ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ગેંગના તમામ સાગરિતોને અલગ અલગ જેલમાં ખસેડવાનો નિર્ણય કરાયો હતો.