છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસે અંદાજે 3727 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ઉપરાંત, 41000 કિલોથી વધુ નશીલા પદાર્થો પણ પકડાયા છે.
ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સ નીતિ: 2 વર્ષમાં 3727 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, માફિયાઓ પર બુલડોઝર
ગુજરાત સરકારની ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ છેલ્લા 2 વર્ષમાં 3727 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. ડ્રગ્સ માફિયાઓની મિલકતો પર બુલડોઝર ફેરવી કડક કાર્યવાહી કરાઈ છે.

ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવતા અસામાજિક તત્વોને નેસ્તનાબૂદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કમર કસી છે. ગાંધીનગર ખાતે વિધાનસભામાં રજૂ કરાયેલી વિગતો અનુસાર, છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસે રાજ્યના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અંદાજે 3727 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. રાજ્યને 'ડ્રગ્સ મુક્ત' બનાવવાના મક્કમ સંકલ્પ સાથે સરકારે માત્ર નશીલા પદાર્થો પકડવા પર જ નહીં, પરંતુ ડ્રગ્સ માફિયાઓના આર્થિક સામ્રાજ્યને પણ તોડી પાડવા 'ટોપ ટુ બોટમ' ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડ્રગ્સ માફિયાઓના નેટવર્ક પર 'દાદાનું બુલડોઝર'
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સભાગૃહમાં ગર્જના કરતા જણાવ્યું હતું કે, ડ્રગ્સના સોદાગરો સામે ગુજરાત પોલીસ અત્યંત કડક વલણ અપનાવી રહી છે. પોલીસ માત્ર પેડલર્સ સુધી મર્યાદિત ન રહેતા ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચી રહી છે. કચ્છ જિલ્લામાં ડ્રગ્સના કાળા કારોબારથી ઉભી કરાયેલી 32.20 કરોડ રૂપિયાની મિલકતો સરકાર દ્વારા જપ્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, જામનગરમાં ગૌચર અને સરકારી જમીન પર અતિક્રમણ કરીને બનાવાયેલા ડ્રગ માફિયાઓના ગેરકાયદે બાંધકામો પર 'દાદાનું બુલડોઝર' ફેરવીને તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.
આંતરરાજ્ય નેટવર્ક અને ફેક્ટરીઓનો પર્દાફાશ
ગુજરાત પોલીસની સતર્કતાને કારણે માત્ર રાજ્યમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં ચાલતા ડ્રગ્સના રેકેટનો પણ પર્દાફાશ થયો છે. એટીએસ (ATS) અને સ્થાનિક પોલીસના સંકલનથી 'પાંડી બ્રધર્સ' જેવા કુખ્યાત આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને તોડી પાડવામાં સફળતા મળી છે. હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસે રાજ્યની બહાર પણ જ્યાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ ધમધમતી હતી, ત્યાં દરોડા પાડીને ઉત્પાદન એકમોને સીલ કર્યા છે. આ કામગીરી દર્શાવે છે કે ગુનેગાર ભલે ગમે ત્યાં છુપાયો હોય, ગુજરાત પોલીસની નજરથી બચી શકશે નહીં.
2 વર્ષની મજબૂત કામગીરી
રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ ડ્રગ્સ વિરુદ્ધની લડાઈના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષ દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ 1647 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ગાળામાં 41000 કિલોથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો એવા જામનગર અને કચ્છમાં 135 ગુનાઓ નોંધીને 306 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના પાસેથી 244.59 કરોડનું ડ્રગ્સ કબજે કરાયું છે. નોંધનીય છે કે, સમગ્ર દેશમાં ગુજરાતનો ડ્રગ્સ સંબંધિત ક્રાઇમ રેટ માત્ર 0.8 છે, જે રાષ્ટ્રીય સ્તરે સૌથી ઓછો છે.
યુવાનો માટે માનવીય અભિગમ અને પુનઃવસન
સરકાર માત્ર દંડનાત્મક કાર્યવાહી જ નથી કરી રહી, પરંતુ જે યુવાનો ભૂલથી આ માર્ગે ચડી ગયા છે તેમના માટે માનવીય અભિગમ પણ દાખવ્યો છે. સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં વિશેષ કાઉન્સેલિંગ સત્રો યોજવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત યુવાનોને જેલમાં ધકેલવાને બદલે પરિવારના સહયોગથી વ્યસનમુક્ત કરી સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરાય છે. આ વર્ષના બજેટમાં પણ દરેક જિલ્લામાં નવા ડ્રગ્સ મુક્તિ કેન્દ્રો ખોલવાની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે.
6 ઝોનમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ કાર્યરત
ડ્રગ્સની હેરાફેરીને અટકાવવા માટે ટેકનોલોજી અને વિશેષ માળખાગત સુવિધાઓ ઊભી કરાઈ છે. રાજ્યમાં 6 અલગ અલગ ઝોનમાં 'એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ' (ANTF) સક્રિય કરવામાં આવી છે. 'ડ્રગ્સને ઉગામો અને પકડનારને પ્રોત્સાહન'ના મંત્ર સાથે પોલીસ જવાનોનું મનોબળ વધારવામાં આવી રહ્યું છે. દરિયાઈ માર્ગે આવતા કેફી દ્રવ્યોને રોકવા માટે કોસ્ટ ગાર્ડ અને એટીએસ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
Frequently Asked Questions
છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસે કેટલું ડ્રગ્સ જપ્ત કર્યું છે?
ડ્રગ્સ માફિયાઓની ગેરકાયદે મિલકતો સામે શું કાર્યવાહી થઈ રહી છે?
સરકાર ડ્રગ્સ માફિયાઓના આર્થિક સામ્રાજ્યને તોડી પાડવા 'ટોપ ટુ બોટમ' ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું છે. ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવીને તેને જમીનદોસ્ત કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
યુવાનો માટે વ્યસન મુક્તિ માટે સરકાર શું કરી રહી છે?
સરકાર યુવાનોને જેલમાં ધકેલવાને બદલે પરિવારના સહયોગથી વ્યસનમુક્ત કરી સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. દરેક જિલ્લામાં નવા ડ્રગ્સ મુક્તિ કેન્દ્રો ખોલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે કયા પગલાં લેવાયા છે?
રાજ્યમાં 6 ઝોનમાં 'એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ' (ANTF) સક્રિય છે. દરિયાઈ માર્ગે આવતા કેફી દ્રવ્યોને રોકવા માટે કોસ્ટ ગાર્ડ અને એટીએસ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.























