રાજ્યમાં કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો, ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ સહિત અનેક ઉત્સવો ઉજવવા માટે કરોડો રૂપિયાનો પાણીની જેમ વેડફાટ કરવામાં આવે છે. પરંતુ રાજ્યમાં આવેલી આફત હોય કે અવસર હંમેશા રાજ્યની સુરક્ષા માટે ખડેપગે તૈયાર રહેનાર પોલીસ કર્મચારીઓને પગાર ચૂકવવા માટે રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ ન હોવાનું સામે આવ્યું હતું. હજારો પોલીસ કર્મચારીઓના પગાર ન થતા પોલીસબેડામાં ભારે રોષની સ્થિતિ છે. રાજ્યમાં અલગ- અલગ ઉત્સવોમાં વૈભવી સ્ટેજ, લાઈટિંગ અને મનોરંજન સહિતના કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો સરકાર કરી રહી છે ત્યારે ગ્રાન્ટની અછત ઉભી થતી નથી. પરંતુ જ્યારે રાજ્યની સુરક્ષા કરતા પોલીસ કર્મચારીઓના પગાર ચૂકવવાની વાત આવે ત્યારે પૂરતી ગ્રાન્ટ ન હોવાનું કારણ આગળ ધરી દેવામાં આવે છે. મંગળવારે ગુજરાત પોલીસના હિસાબી અધિકારી ધવલ બવાડીયાએ એક પરિપત્ર જાહેર કર્યો હતો જેમાં જેમાં પૂરતી ગ્રાન્ટ ન હોવાથી પગારમાં વિલંબ થઈ શકે છે તેવો ઉલ્લેખ કર્યો હતો. 

Continues below advertisement

અનેક પોલીસ કર્મચારીઓને બાળકોના અભ્યાસનો ખર્ચ, બેન્કના હપ્તા, ઘર ભાડું કેવી રીતે ભરીશું તેને લઈને હજારો પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ટેન્શનમાં આવી ગયા છે. આ ગ્રાન્ટની અછતથી રાજ્યની તમામ પોલીસ કમિશનર, રેન્જ કચેરી, સીઆઈડી ક્રાઈમ, ઈન્ટેલિજન્સ, રેલવે, હથિયારી એકમો, સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો તથા તમામ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીઓના કર્મચારીઓને થઈ શકે છે. આ તરફ પગાર મોડો થવાના પરિપત્રને લઈ વિપક્ષે ગંભીર આરોપ લગાવ્યા હતા. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે પોલીસનો પગાર મોડો એ દેવાળિયા વહીવટનો પુરાવો છે. ગુજરાત માથે ચાર લાખ કરોડનું દેવું છે. પોલીસના ગ્રાન્ટની અભાવનો પ્રશ્ન કેવી રીતે આવ્યો તે મુદ્દે રાજ્ય સરકાર સ્પષ્ટતા કરે તેવી વિપક્ષે માંગણી કરી હતી. બીજી તરફ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીને સવાલ કરાતા તેને નિયત સમય મર્યાદામાં પગાર ચૂકવાય તે માટે ધ્યાન દોરવાની ખાતરી આપી હતી.

રાજ્ય સરકાર જ્યારે કરોડોના ખર્ચે કાર્યક્રમોના આયોજનમાં વ્યસ્ત છે, ત્યારે પોલીસ જવાનોને પોતાના પરિવારના ગુજરાન અને બેન્કના હપ્તા ભરવા માટે પગારની રાહ જોવી પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગ્રાન્ટ રિલીઝ કરવામાં થયેલી આ વિલંબિત પ્રક્રિયાથી પોલીસ બેડામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે કેટલી ઝડપથી ગ્રાન્ટ રિલીઝ કરીને કર્મચારીઓને રાહત આપે છે.

Continues below advertisement